30 January 2009

વિષાદ

વિરહની વાટે પ્રણયને નિરખુ નજરથી,
તારા આવવાના એંધાણનો કેવો જુરાપો.

અમૃતને આંજી વહાલપ નિરખુ નજરથી,
મારા અંતરના ઍંધાણનો કેવો બળાપો.

અંધારે આવીને પડછાયો નિરખુ નજરથી,
હતો વિષાદના ઍંધાણનો કેવો કઢાપો.

એકાદ ક્ષણને સળગતી નિરખુ નજરથી,
વેરી વહાલાના ઍંધાણનો કેવો બુઢાપો.

28 January 2009

નાટક

મને જોઈ લઉ ત્યાં શરૂ થાય નાટક
પછી હું જીવું એ બની જાય નાટક

આ હૈયું રડે ને હું આંખો હસાવું,
કહો, રોજ કઈ રીતે ભજવાય નાટક.

સતત પાત્ર જેવું જીવી લઉં છું તો પણ,
મને જિંદગીનું ન સમજાય નાટક.


બધાં પ્રેક્ષકો તો ઉઠીને ગયાં છે,
છતાં શ્વાસનું કેમ લંબાય નાટક ?

હું અભિનયમાં જીવન ગુમાવી રહ્યો’તો,
અને કોઈ બોલ્યું ‘આ કહેવાય નાટક.’


23 January 2009

તુજ દર્શન

પ્રભુજી તુજ દર્શનથી હું તો રાજી,
મારે નથી હવે વેવારે કોઈ કાજી, પ્રભુજી...

તે મેવા મેલ્યા,લઈ વિદુરની ભાજી,
હવે તો જીતુ માધવ મલ્યાની બાજી, પ્રભુજી...

થઈને શામળીયા ભરી બજારે ન લાજી,
કેમ વિસારુ વૃંદાવન ની ગલીઑ તાજી, પ્રભુજી...

તારે નહોતી ગોકુળની ગલીઓની ઝાઝી,
મારે માધવ મલ્યાની વાતો ઘણી ઝાઝી, પ્રભુજી...

કેવા મેલ્યા તા રાધાના અંતર ને આંજી,
મારે નહોતી ખેલવી વિયોગ ની બાજી, પ્રભુજી...

22 January 2009

કિર્તન

પ્રભુજી અમ અંતરના થાજો બેલી,
નથી જોતી મારે અષાઢી હેલી, પ્રભુ..

કાંઈ ગોકુલની ગલીએ રાધા ઘેલી,
આમ ક્યાં ચાલ્યાં અધવચ્ચે મેલી, પ્રભુ..

તે તો દ્રૌપદીના દુખ મેલ્યા ઠેલી,
હતી શામળીયા સંગે પ્રીત પેલી, પ્રભુ..

રહ્યા ગોપ-ગોપીઓ સંગ રાસ ખેલી,
પ્રભુ પ્રીત એવી રહે તમ સંગ છેલ્લી, પ્રભુ..

બસ તારે ભરોસે જીવન નાવ મેલી,
મારો હવે તુજ થા જીવતરનો બેલી, પ્રભુ..

કાંતિ વાછાણી અને જીગ્નેશ

21 January 2009

માભોમ આવે

માભોમ આવે

સી યુ અગેઇન કરતાં તમારું એ આવજો મધમીઠું લાગે
હાય હેલો  ફ્રેંડશીપ   બને દોસ્તી તો શમણું અણદીઠું જાગે

હમદર્દીલાં દિલડાંનો ધબકાર સંભળાયે આલિંગન વિના
ચોટદાર એનો એવો ઉન્માદ આઈ લવ યુ અણકીધું વાગે

પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે
હોમસીકને આમ મળવા જાણે માભોમ આવે

હતાશ હું બેભાન રહું છોને ઇ આર હો સારવારે
જો ઉં તરત કેમ છો શબ્દ પડઘા થઈ આવે

ક્ષુધાસભર આળોટું વિદેશી વાનગી વચાળે
ખાઉં ઓડકાર જો ખીચડી ખાટી છાશ આવે

ચકરાઉં બસ નૉર્ડસ્ટ્રોમ મેસીસ ઝાકજમાળે
ચીંથરાને ચૂમું જો મૅઈડ ઈન ઇંડિયા આવે

લૉટરી કૂપન યા જૉબ-લેટર ગાર્બેજ ભાળે
ફાટેલ દેશી ટપાલમાં અક્ષર મોતી થૈ આવે

કુમ્ભકર્ણ થઈને નસ્કોરું ક્રીસમસનીય સવારે
સફાળો જાગું જાગો રે પ્રભાતિયે સાદ આવે

ભટકે બેતાળાભરી નયના ઇંટરનેટના મેળે
મળે ગુજરાતી ફોંટ તો બેસવાનું ઠામ આવે

ડોલર નામે સાહ્યબી છો ના દોમદોમ આવે
દોલતમાં દિલને ભાગે જો કાણી પાઇ આવે

દિલીપ આર. પટેલ

ઓરેંજ, કેલિફોર્નીયા

મે, 22, 2006


ક્યાં હળવાશ

વહેવારે મળ્યાં પણ અમાસની રાત હતી,
વાઘા પહેર્યા સંબંધોનાં, કયાં મીઠાશ હતી.

કરી મહેફીલની મજા અજવાળી રાત હતી,
કોણ મળ્યાં ઉતાવળમાં ક્યાંક કચાશ હતી.

પ્રહર હતો હજુ પહેલો આવી મધરાત હતી,
આમ જ હતુ જીવનમાં કયાંક કડવાશ હતી.

બસ હવે તો તારે ભરોસે ચાંદની રાત હતી,
અમારે તો જીવનમરણમાં ક્યાં હળવાશ હતી.

કાંતિ વાછાણી

18 January 2009

એને ક્યાં ખબર હતી કે પતનનું આ પાદર હતુ
વાયરે વીખરાય જશુ...!
એ મળી ચાલતુ પછી વતન ને ક્યાં આદર હતુ

સંબંધોના સમીકરણ

હતી વેદના એજ વાતનું ક્યાં યાદ છે,
આમ પરસ્પર મળ્યા નો ખેદ !!
હતુ સમી સાંજે દર્દ રાતને ક્યાં યાદ છે.

શૈશવ વાગોળુ, સ્મૃતિ હવે કોને યાદ છે,
આમ મળી ને ભૂલ્યા નો ખેદ !!
પગરવ માંડ્યા પારકે દેશ કોને યાદ છે.

ગોધૂલી એ ડુબતા સૂર્યકિરણ હજુ યાદ છે,
બસ હવે કેમ મળ્યા નો ખેદ !!
સંબંધોના સમીકરણને શબ્દો હજુ યાદ છે.

16 January 2009

પાયાના પથ્થર

મંદિર મસ્જિદના પાયામાં પડ્યા પથરા ડોલ્યા
મંદિરની ધજા ને કળશ ઉનાં આંસુથી રોયા,
મસ્જિદના મિનારા મારો - કાપોમાં ભરમાયા
નિર્દોષોની હાય સુણીને ખંડેરોમાં ફેરવાયા
ધર્મને નામે તાંડવ સર્જી લોહીની હોળી ખેલ્યા
નામની નનામી કાઢી લાખો જીવો ખોયા
વેરઝેરમાં ગળાડુબ થઇ ઇશ્વર અલ્લાહ ભૂલ્યા

-પ્રવિણા કાકડીયા

15 January 2009

લાગણીઓ

અમથુંઅમથું પડઘાના પડછાયા જેવું;
મોં નહીં ને માથું બસ પરપોટા જેવું;

અલપઝલપના જંતરમંતર ખેલ જેવું;
લીલુંસુકું જીવન નાગરવેલ જેવું;

ઝાંખાઝાંખા ઝાકળભીના ઝાડ જેવું;
અજવાળું પણ અંધારાના પહાડ જેવું;

શમણાંની કોઈ છાનીછપની વાતો જેવું;
ઝોકાં ખાતા ઉજાગરાની રાતો જેવું;

કાળીધોળીરાતી ગાયની આંખ જેવું;
પિંજરમાં તરફડતી ઘાયલ પાંખ જેવું;

12 January 2009

શિકારીને


રહેવા દે રહેવા દે સંહાર, યુવાન ! તું, 
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સંતનું, 1

પંખીડાં, ફૂલ રૂડાં, લતા , ઝરણા તરુ;
ઘટે ના ક્રૂર દ્રષ્ટિ ત્યાં : વિશ્વ સૌંદર્ય કૂમળું. 2

તીરથી પામવા પક્ષી, વ્યર્થ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના, ના, કિંતુ સ્થૂલ મળી શકે. 3

પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને. 4

સૌન્દર્યો વેડફી દેતાં ના, ના, સુન્દરતા મળે ;
સૌન્દર્ય પામતાં પહેલા સૌન્દર્ય બનવું પડે, 5 

સૌન્દર્યે ખેલવું તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એનો ઉપભોગ છે. 6

રહેવા દે ! રહેવા દે સંહાર, યુવાન ! તું;
બધે છે આર્દ્રતા છાઈ, તેમાં તે ભળવું ભલું ! 7 

10 January 2009

આઝાદી?

આતંકવાદી વિદેશી તાકતોથી 
આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોથી
નથી મળી આઝાદી નાગરિકોને

ભ્રષ્ટનેતાઓનાં ભ્રષ્ટાચારથી
અધિકારીઓનાં ખિસ્સા ભરવાથી
નથી મળી આઝાદી જનતાને

અબળાને દમનનો ભોગ બનવાથી
ભૃણહત્યા કરવાની લાચારીથી 
નથી મળી આઝાદી નારીને

ભૂલકાંઓને શ્રમદાન કરવાથી
શ્રમદાન આપી અશિક્ષિત રહેવાથી
નથી મળી આઝાદી ભાવિને

યુવાનોને બેરોજગારીથી ઝઝૂમવાથી
ડિગ્રી લઈ દર-દર ભટકવાથી
નથી મળી આઝાદી યુવાનોને

09 January 2009

જીતની હાર

અમે તમને હુકમ કરી રહ્યા છીએ એ વાત સાચી છે પણ એનો અર્થ એ નથી કે તમે અમારા ગુલામ છો. ગુલામ તો અમે બની ચૂક્યા છીએ, કારણ કે તમારા ઉપર હુકમ કર્યા વિના ચાલતું નથી અને તમારા સિવાય અમે એકલા રહી શકતા નથી. અમારી આજ્ઞાઓનું પાલન કરીને, તમે અમને આબાદ રીતે પાંજરામાં પૂરી દીધા છે.

ઘણા લોકો તમારી આવી દશા જોઈને દયા ખાય છે, પણ એમને ક્યાંથી ખ્યાલ આવે કે દયા ખાવા જેવી તો સ્થિતિ અમારી છે.

પરાજય પામ્યા છો એવો દેખાવ કરીને તમે અમને જીતી ગયા છો, અને અમે વિજયી છીએ એવો દેખાવ રાખીને, હારી ગયા છીએ.
(પ્રભાતનાં પુષ્પો માંથી સભાર)

છે માધવ કયાંક

છે આકાશની વાત અલપ જલપ,
શમણા સવાર પડે ને શું વાત કરે,
પ્રભાતે પુષ્પો મોતીડે મોં ધોઈ
પતંગિયાની પાંખે સંદેશો આપે,
છે માધવ કયાંક
અહી તહી ઍ વાત ચોક્કસ
શમણા સવાર પડે ને શું વાત કરે,
કોયલે સૂર પૂર્યો
સમીર ના સૂરોથી જાહેર થયુ ઍ છે
આપણે મળવુ બેકાર
શમણા સવાર પડે ને શું વાત કરે,

એક ઘા
તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો.

રે! રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રુંધાઈ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમા.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્‍હોય ઊઠી શક્યું ના;

ક્યાંથી ઊઠે? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે? હૃદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિન્‍તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?

જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને,

રે ! રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્‍હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;

રે ! રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ના આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છેચડતી-પડતી

દુ:ખોની સદા ચડતી અને મારી પડતી હોય છે,
વ્યથાઓ મારી પાસે આવવા બાખડતી હોય છે.

હું ખુશી, મનેય ત્યારેય તેં કદી ખુશ જોઈ ?
દુ:ખની પહેરેદારી મારેય કરવી પડતી હોય છે.

કલ્પના તો ક્યાંથી હોય તનેય આવા દર્દની,
ટોચે રહેલાની આ પહેલી પહેલી પડતી હોય છે.

અસમંજસ ને ઉદાસીના ચક્રવર્તી આ રાજમાં
સુખોની ક્યાં ક્યારેય આશા ફળતી હોય છે.

જો માનતો હોય તો સાંભળ મારી વાત, વ્હાલા
કે ખુશીઓ મળતી નથી, ખેંચવી પડતી હોય છે.

વગર સરનામે

થઈને પડછાયો કોનો અમે મળ્યાં,
ના જાણે પાનખરે ક્યાં અમે મળ્યાં.

આમ વાતને વાયરે સાચે જ મળ્યાં,
તને યાદ છે આપણે એમ જ મળ્યાં.

આજ તો ખરી મઝા હતી ને મળ્યાં,
જુઓ તો ફૂલ ઠુંઠી ડાળી ને મળ્યાં.

તો ચાલ અહંમ ઉતારવા ને મળ્યાં,
બસ હવે તો વગર સરનામે મળ્યાં.

08 January 2009

આ નભ ઝૂક્યું

આ નભ ઝૂક્યું તે કાનજી,
ને ચાંદની તે રાધા રે,
આ સરવર જલ તે કાનજી,
ને પોયણ્રી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી,
ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત શીખર તે કાનજી,
ને કેડી ચડે તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી,
ને પગલી પડે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી,
ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી,
ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી,
ને નજરું જુઍ તે રાધા રે,

નવાનોખા સૂરથી.

કોઈ નવાનોખા સૂરથી.
ઝીણી નજરથી જોઉં દૂરને નજીકથી ને નજદીકને જોઉં છું દૂરથી.

તારાને જોઉં છું જાણે કોઈ ફૂલ હોય
ને ફૂલને જોઉં છું જાણે તારો,
મારો ધબકરો તો યાદ નથી આવતો
પણ તારા નામનો બજે છે ઍકતારો.

રેતીના રણને મઘમઘ કરું છું મોગરાની મ્હેકના કપૂરથી.
કોઈ નવાનોખા સૂરથી.

ચાંદ થઈ દરિયાને ઊછળતો જોઉં
અને વૃક્ષોનાં જણી લઉં મૂળ,
નિકટ ને દૂરની લીલામાં લખાયેલાં
કયાંક છે વૃંદાવન - ગોકુળ.

કૃષ્ણના હોઠ પર વાંસળી ભલે પણ ઍ વાગે છે મારા નેપુરથી.
કોઈ નવાનોખા સૂરથી.

અસ્તિત્વનો લય

આપણાં અસ્તિત્વનો લય પામવો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, આ અસ્તિત્વ કેટલું અનન્ય છે! આપણાં જીવનનું મૂલ્ય આપણાં જેટલું બીજા કોને સમજાઈ શકે ! ક્યારેક થાય છે કે સાવ જ અપ્રત્યક્ષ અચિન્ત્ય, અપ્રમેય, અને લગભગ અપ્રાપ્ય એવા પરમેશ્ર્વર વગર આપણું કશુંય અટકે છે ખરું ! જેઑ એ કશુંક પ્રાપ્ત કર્યું છે એવા ગુરુઓ ઝટ જડતા નથી અને જેઓને કશુ નથી જડ્યું તેઓ આપણને છેતરવા માટે ટાંપીને બેઠા છે. સામાન્ય માણસે ક્યાં જવું ? કબીર પાસે આ સમસ્યાનો ઉકેલ છે.


લહર ઢૂંઢે લહરકો કપડા ઢૂંઢે સૂત, જીવ ઢૂંઢે બ્રહ્મ કો તીનો ઉત કે ઉત.


વાત ગળે ઊતરે તેવી છે. લહેર થી લહેર અભિન્ન છે. કપડું સૂતરને શોધવા નીકળે એ કેવું ! જીવ બ્રહ્મને શોધે છે પરંતુ જીવ અને શિવ વચ્ચે ભેદ જ કયાં છે ? કબીર કહે છે આ ત્રણ ઠેરના ઠેર, કારણ કે જ્યાં ભિન્નતા જ ન હોય ત્યાં વળી શોધ કેવી ! આપણે જ બ્રહ્મ છીએ એવી આત્મપ્રતીતિ શક્ય ખરી ?

કલ્પ-સંકલ્પ વૃક્ષ


પંખીઓ ઊડવાના કલાસ નથી ભરતાં
ન માછલી સ્વિમિંગ પૂલ જાતી,
ખુશબોએ વાયરાનું ટયૂશન કયાં રાખ્યું છે
તો પણ એ કેવી ફેલાતી.

ભમરો વિશારદ નથી તોય ગાય
કહે ફૂલોને કાનમાં પતંગિયાં,
બેટરીનું ખાનું વિજ્ઞાન નથી જાણતા
તો પણ શું ચમકે છે આગિયા.

ઝરણાઓ પૂછીને ભૂસકાં ન મારતાં
કેટલીક મળવાની ખ્યાતિ. પંખીઓ...

ઝાડવાંઓ યોગાસન શીખ્યાં નથી જ
છતાં ઊભાં અઠંગ એક ચરણે,
કીડી મંકોડાને ચિંતા કયાં હોય છે
કોણ મારી દીકરીને પરણે.

ઈર્ષા આવે દોસ્ત! એ રીતે ઊજવે છે
એ લોકો એમની હયાતી. પંખીઓ...

પર્વત પણ બી. એ., બી. એડ. નથી તોય
એની વાદળ સુધીની છે પહોંચ,
માણસ શું શીખ્યાં કે માણસાઈ લંગડાતી
મનમાં પહેરી જાણે મોચ.

આપણને નહીં એ લોકોને જોઈને
ઈશ્વરની છાતી ફુલાતી. પંખીઓ...

07 January 2009

ક્યાં છે કોયલ ?


ઠંડીના સંકજામાંથી નીકળી હવે 
કોયલની મીઠી તાનની વાટ જોવાઈ રહી છે

કોયલ ટહુકે તો સમજો કે 
વસંતનુ આગમન થઈ ગયુ છે

કોયલ અને વસંતનો સબંધ તો 
સદીઓ પહેલાનો છે

પણ હવે તો નથી સંભળાતો એ મીઠો અવાજ
ક્યાં ગઈ કોયલ, ખબર નહી તમને ખબર છે ?

નથી હવે એ ઠંડક આપતો ઝાડનો આશરો
જ્યાં બેસીને કોયલ ગાઈ શકે 

નથી દેખાતા અહીં કેરીના મોર
જેને કોયલ માણી શકે જાગો હવે તો શહેરના ઘેલા સાથીઓ
વાવો વૃક્ષ વધુ જેથી 
બાળકો તમારા કુદરતને જાણી શકે

કરો કેટલી પણ પ્રગતિ પણ 
લીલોતરી રહેશે તો જીવન આપણુ છે

ખુદને વસાવવા હટાવીશુ જો વૃક્ષોને
તો કેવી રીતે ટકાવશો આ જીવનને ?

06 January 2009

ચિત્રકારનું ચિંતન


કલા-પ્રદર્શનમાં મૂકેલાં એક ચિત્ર પર બધાની નજર જડાઇ રહેતી હતી. તેના રંગોની છટા પણ અતિશય મોહક હતી. એમાં એક આકૃતિ દોરેલી હતી, જેનો ચહેરો ઘાટા વાળથી ઢંકાયેલો હતો, અને પગમાં પાંખો લગાડેલી હતી.
કોઇએ ચિત્રકારને પૂછ્યું,'આ કોનું ચિત્ર છે ?'
ચિત્રકારે કહ્યું,'અવસરનું !'
'પણ એનો ચહેરો કેમ ઢંકાયેલો છે ?'
'એટલા માટે કે અવસર આવે છે ત્યારે
લોકો એને ઓળખી શકતા નથી.'
'અને આ પગની પાંખો ?'
'એ એમ સુચવે છે કે અવસર આવીને એટલી
ઝડપથી ચાલ્યો જાય છે કે પછી ફરી હાથ નથી આવતો !'

05 January 2009

શબ્દોના ઢાંચા

આમ ઉઘાળી આંખે સપનાને વાચા આપુ,
પછી તારા વિચારોને શબ્દોના ઢાંચા આપુ.

કયાંક તો આપણે મળ્યાનો વિચાર આપુ,
અને આંગળીના ટેરવાનો અણસાર આપુ.

ભલે મનમાં છે, પાનખરનો આકાર આપુ,
આજે તારા કાજે વસંતનો વિસ્તાર આપુ.

રોજ પ્રભુને ‘થૅન્ક યૂ’ કહેજો.

એક ધોબી વિચારે ચડી ગયો. કપડાં ધોવાય તેનો ખરો જશ કોને ફાળે જાય ? સાબુને, મહેનતને કે પાણીને ? ઘણા મંથનને અંતે એ વિચારવંત ધોબીને સમજાયું કે :
1. પાણી ન હોય તો સાબુ કશાય ખપનો ન રહે.
2. પાણી ન હોય તો બધી મહેનત પાણીમાં જાય.
3. કપડાં ધોવાય તેનો ખરો જશ પાણીને ફાળે જાય છે.

આવું વિચારનારો ધોબી કંઈ સાબુવિરોધી કે પુરુષાર્થવિરોધી માણસ ન હતો. ભક્ત તે છે, જેને બઘી ઘટનાઓમાં ઈશ્વરની કૃપાનાં જ દર્શન થાય છે. કશુંક અનિચ્છનીય બને તો તેમાં પણ ભગવદકૃપા નિહાળે તેનું જ નામ ભક્ત ! ભક્ત કદીય મથામણનો ત્યાગ ન કરે. મથામણને અંતે એ નિષ્ફળ જાય તોય કહે છે : ‘હે માલિક ! જેવી તારી મરજી.’ વિચારે ચડી ગયેલો પ્રબુદ્ધ ધોબી આપણો ગુરુ બની શકે.

કૃપાનુભૂતિ ભક્તનો સ્થાયીભાવ છે. જીવન યોગ્ય વિકલ્પની પસંદગીનું બનેલું છે. જ્યાં પોલ સાર્ત્ર મહાન અસ્તિત્વવાદી હતો. એણે પસંદગી (ચોઈસ)નો મહિમા કર્યો. ભક્તની શ્રદ્ધા પસંદગી-મુક્તિ (ચોઈસલેસનેસ) પર એટલે કે ઈશ્વરની ઈચ્છાને આધીન રહેવા પર અધિક હોય છે. પાંડવ-ગીતામાં માતા કુન્તી કૃષ્ણને પ્રાર્થનાપૂર્વક કહે છે : ‘હે હૃષીકેશ ! મારાં કર્મોને પરિણામે જે જે યોનિમાં મારો જન્મ થાય, તે તે જન્મમાં મારી ભક્તિ દઢ રહો.’
સ્વકર્મ-ફલ-નિર્દિષ્ટાં યાં યાં યોનિં પ્રજામ્યહમ |
તસ્યાં તસ્યાં હૃષીકેશ, ત્વયિ ભક્તિર દઢા’સ્તુ મે ||
રોજ રોજ બનતી નાનીમોટી અનુકૂળ કે પ્રતિકૂળ ઘટનાઓમાં ઉપરવાળાની કૃપાનો અનુભવ કરવો એ જેવીતેવી સંપ્રાપ્તિ નથી. જરાક શાંત ચિત્તે વિચારીએ તો સમજાય કે આપણું ‘હોવું’ પણ એની કૃપાના અસ્ખલિત પ્રવાહ વગર શક્ય નથી. પ્રતિક્ષણ શ્વાસોચ્છવાસ ચાલે છે તેથી તો આપણે ‘છીએ’ ! બાળક જન્મે ત્યાં તો પ્રાણવાયુ તૈયાર હોય છે. એને તરસ લાગે ત્યાં તો પાણી તૈયાર હોય છે. એને ભૂખ લાગે ત્યાં તો માતાનું ધાવણ તૈયાર હોય છે. એને હૂંફ જોઈએ ત્યાં માતાની સોડ તૈયાર હોય છે. એ નીરખી શકે એ માટે પ્રકાશ તૈયાર હોય છે. એ હરીફરી શકે એ માટે અવકાશ તૈયાર હોય છે. એ વાત્સલ્ય પામી શકે એ માટે માતાનો ખોળો તૈયાર હોય છે. આવો કૃપાપ્રવાહ જીવન પૂરું થાય ત્યાં સુધી અટકતો નથી.

માણસની નાડીના ધબકારા ઘણુંખરું લયબદ્ધ રહે છે. માણસનું બ્લડપ્રેશર ઘણુંખરું નૉર્મલ રહે છે. ઘણાખરા માણસો સગી આંખે આસપાસની સૃષ્ટિ જોઈ શકે છે. ઘણાખરા કાન જીવનભર સાંભળી શકે છે તે જેવીતેવી કૃપા નથી. આકાશમાં પથરાયેલું મેઘઘનુષ્ય ભાળી શકાય છે. કોયલના ટહુકા સાંભળી શકાય છે. સ્વજનનો હૂંફાળો સ્પર્શ પામી શકાય છે. ભરચક ટ્રાફિકમાંથી રસ્તો પાર કરી શકાય છે. કાર કે સ્કૂટર દ્વારા ઝડપભેર નિર્ધારિત સ્થાને જઈ શકાય છે. પરિવારનો પ્રેમ જીવનના સ્વાદમાં વધારો કરનારો જણાય છે. પુષ્પોની સુગંધ પામી શકાય છે. ડુંગર ચડી શકાય છે. ખેતરમાં ડોલતાં કણસલાંને વિસ્મયપૂર્વક નિહાળી શકાય છે. અજાણી વ્યક્તિનું સ્મિત ઝીલી શકાય છે અને વરસાદમાં પલળી શકાય છે. ચૂલા પરથી ઊતરતો રોટલો ચાવીને ખાઈ શકાય છે. કોઈના સુખે સુખી થઈ શકાય છે અને કોઈના દુ:ખે દુ:ખી થઈ શકાય છે. કશીક ઘટના બને ત્યારે બુદ્ધિપૂર્વક તર્કશુદ્ધ રીતે વિચારી શકાય છે. ક્યારેક કોઈની યાદમાં રડી શકાય છે. માણસને આનાથી વધારે શું જોઈએ ? કૃપાનો ધોધ વહેતો રહે છે.

વિખ્યાત સૂફી સંત રાબિયા પાસે એક મુસલમાને જઈને કહ્યું : ‘મારું માથું એવું તો દુ:ખે છે કે પીડા સહન નથી થતી. થાય છે કે માથુ કાપી નાખું’ રબિયાએ એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું : ‘અત્યાર સુધી માથું દુ:ખતું ન હતું, ત્યારે કદી પણ તેં ખુદાનો આભાર માનેલો ખરો ?’ રબિયાએ બહુ મોટી વાત કહી દીધી. સાંજે જમવા બેસીએ અને થાળીમાં ભોજન પીરસાય ત્યારે આપણે પ્રભુનો પાડ માનતા નથી. સાજા સમા હોવા બદલ આપણે ઈશ્વરના અનુગ્રહની નોંધ લેવાનું ચૂકી જઈએ છીએ. સંતાનો વિવેકી હોય ત્યારે આપણે તેને ઈશ્વરની મહેરબાની ગણીને એ માટે આભાર માનવાનું યાદ નથી રાખતા. દેખતો માણસ આંખનું ખરું મૂલ્ય સમજવામાં ગોથું ખાઈ જાય છે. હૃદયરોગનો હુમલો થાય પછી હૃદયનું મૂલ્ય સમજાય છે. ડાયાલિસિસ કરાવવાની નોબત આવે ત્યારે કિડનીનું મહત્વ સમજાય છે. ઊંઘની ગોળી લીધા પછી પણ ફાંફાં મારવાં પડે ત્યારે માંડ સમજાય છે કે ઘસઘસાટ ઊંઘનાર ગરીબ આદમી કેટલો વૈભવશાળી છે. જીવનની કહેવાતી નાની ઘટના પણ નાની નથી હોતી. પ્રતિક્ષણ માલિકના અનંત ઉપકાર હેઠળ હોવાની અનુભૂતિ ભક્તની સાચી અમીરાત છે. કૃપાનુભૂતિ, ઈશ્વરાનુભૂતિની પ્રસ્તાવના છે. આવી કૃપાનુભૂતિને અંતે હૃદયમાં ઊગતી પ્રાર્થનામાં શબ્દો ખરી પડે છે અને કેવળ પ્રાર્થના રહી જાય છે. જાણીતા દાર્શનિક મિસ્ટર એકહાર્ટ કહે છે :

સમગ્ર જીવન દરમ્યાન
જો તમે
ફકત એક જ વખત પ્રાર્થના કરો
અને (ઈશ્વરને) ‘થૅન્ક યૂ’ કહો,
તો તે પણ પૂરતું છે.

આપણે આભાર ન માનીએ તો તેમાં ઈશ્વરનું કશું બગડતું નથી. તેની કૃપા તો નાસ્તિક પર પણ વરસતી જ રહે છે. આસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય એવી ઘણી બાબતો સૃષ્ટિમાં છે, જેનો પાર બુદ્ધિથી પામી શકાય તેમ નથી. નાસ્તિક મનુષ્ય માને છે કે પોતાની બુદ્ધિમાં ન સમાય તેવી કોઈ બાબતનો સ્વીકાર ન થઈ શકે. કોઈ અભણ મનુષ્ય પાયથાગોરસનો પ્રમેય ન સમજે, તેથી એ પ્રમેયના સત્યને કોઈ હાનિ પહોંચતી નથી. સતત વહેતા કૃપાના ધોધ નીચે પ્રાર્થનામય ચિત્તે ઊભા રહીને પલળવું એ જ ભક્તિ છે. પેલા ધોબીને જે સમજાયું તે આપણને સમજાય એ શક્ય છે. અવ્યભિચારિણી ભક્તિ પ્રાપ્ત થવી એ પણ પ્રભુની કૃપા છે. ક્યારેક એવું બને કે ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય તોય એની કૃપાની અનુભૂતિ સતત થતી રહે છે. જેઓ પરીક્ષામાં ફુલ્લી પાસ ન થાય તેવા નિશાળિયાઓને પણ ‘ઉપર ચડાવવામાં આવે છે.’

03 January 2009

મારો આતમ

પુરુષાર્થ ના પરસેવે મારો આતમ
આમ કેમ ઉવેખે કોણ તમે
મારે તમારી આંખે ઉજાગરા આતમ..

આપનો પુરુષાર્થ

આપનો પુરુષાર્થ........
દરેક ક્ષણે સંબંધોની સાંકળ મજબુત કરવા કાયમ જ
કસોટીની ઍરણ પર પસાર થવું પડતું હોય છે, ઍ પ્રહાર
ને ખમવાની શક્તિ તમારા ધૈર્ય ને મજબુત ત્યારે કરશે કે
તેની ચોક્કસ ગુણવત્તા હશે તો ?

બહુ આનંદ થયો........

-ખરી માં

નાનકડો કુસુમાયુધ આજે મૂંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી, સારાં કપડાં ધારણ કરેલી સ્મિતભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેનાં માતાપિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબું પણ નવાઈભર્યું પાડ્યું હતું. પરંતુ માતા એ પુત્રને લાડ લડાવવા જીવી નહિ; તેને ચાર વર્ષનો મૂકી તે સ્વર્ગ વાસી થઈ અને ત્યાર પછી બે વર્ષ વીતી ગયાં, છતાં તેની માતા પાછી આવી નહિ.
‘મા ક્યાં ગઈ ?’ એ પ્રશ્ન કુસુમાયુધના હૃદયમાં સતત રમ્યા કરતો હતો.
કોઈ કહેતું : ‘એ તો પ્રભુના ધામમાં ગઈ.’ કોઈ કહેતું : ‘મામાને ઘેર ગઈ.’ કોઈ કહે : ‘એ તો જાત્રા કરવા ગઈ છે.’ નોકર કહેતો : ‘એ તો મરી ગઈ.’
‘પણ મને લીધા વગર એ કેમ ગઈ ?’ કુસુમાયુધની એ આંસુભરી ફરિયાદ સૌની આંખમાં આંસુ લાવતી હતી. એક વર્ષ સુધી એ ફરિયાદ કરી કરી થાકેલા બાળકે છેવટે પ્રશ્ન બદલ્યો : ‘પણ મા પાછી તો આવશે જ ને ?’

એ પ્રશ્ન સાંભળી સૌ કોઈ તેની સામે જોઈ રહેતું. કવચિત આંખ ઉપર લૂગડું ઢાંકી દેતું, અને કોઈ વખત થડકતે કંઠે જવાબ આપતું :
‘હા, હા, આવશે હોં ! જાઓ, રમો.’
એટલો જવાબ બાળકના અંગેઅંગમાં સ્ફૂર્તિ પ્રેરતો. તે દોડતો, રમતો, હસતો. ચારપાંચ દિવસે વળી પાછો એનો એ પ્રશ્ન પુછાતો. છેવટે તેણે એ પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી નાખ્યું. આસપાસનાં સર્વ મનુષ્યોએ કાવતરું કરી તેને તેની માથી વિખૂટો પાડ્યો હોય એવી માન્યતા તેના હૃદયમાં જન્મી અને તે એકલો એકલો રમવા લાગ્યો. માત્ર રાત્રે ઊંઘમાં તે કોઈ વાર લવી ઊઠતો : ‘મા ! મા !’
તેના પિતા ઝબકીને જાગી ઊઠતા અને તેના શરીરે હાથ ફેરવતા.

એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ. માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા તે મથતો. માના સરખું લૂગડું પહેર્યું હોય એવી સ્ત્રીને તે ધારી ધારીને જોતો. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય તેને ઘરમાં રહેવા આગ્રહ કરતો. માની નજરનો ભૂખ્યો બાળક આમ તેની સમજ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો હતો. બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી. આ સ્ત્રી તો પછી બધાંની માફક નાસી નહિ જાય ? એ વિચારે તેને ગભરાવ્યો, સૌની માફક આ યુવતીએ પણ તેને પાસે બોલાવ્યો. તેણે બે-ત્રણ પેટીઓ પોતાના સૂવાના ઓરડામાં ગોઠવાવી, તે ઉપરથી એને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહિ જાય. છતાં ખાતરી કરવા તેણે પૂછ્યું : ‘તમે અહીં રહેશો કે જતાં રહેશો ?’
પેલી યુવતીને હસવું આવ્યું. તેણે સામે પ્રશ્ન કર્યો : ‘તમને શું ગમશે ? હું રહું કે જાઉં તે ?’
‘અહીં રહો તે જ ગમે.’ કુસુમાયુધે જવાબ આપ્યો. તેને સમજ પડી નહિ કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબોધે છે. તે સ્ત્રીએ કુસુમાયુધને થોડાં રમકડાં આપ્યાં, સારાં કપડાં પહેરાવ્યાં, માથું ઓળી આપ્યું. પોતાની સાથે જમવા બેસાડ્યો. બાળકને બહુ નવાઈ લાગી. આવી સ્ત્રી કોણ હશે ? કેમ આવી હશે ? કુસુમાયુધ તેની આસપાસ જ ફરવા લાગ્યો. તેને એમ પણ લાગ્યું હશે કે પોતાની માફક પિતાને પણ આ સ્ત્રી ગમી છે ખરી. પરંતુ પિતાની આગળ તે બહુ ધીમે ધીમે કેમ બોલતી હતી ? આડું કેમ જોયા કરતી હતી ? આછું આછું હસતી કેમ હતી ? આ સ્ત્રી ઘરમાં રહ્યા જ કરે તો કેવું સારું ? મા પણ કેવી ઠરીને ઘરમાં રહેતી હતી ?

કુસુમાયુધથી રહેવાયું નહિ એટલે સૂતાં પહેલાં તેણે પૂછ્યું : ‘તમે મારા સગાં થાઓ કે નહિ ?’
‘હા’
‘શા સગાં થાઓ ?’
યુવતી સહજ અટકી. તેની આંખ સ્થિર થઈ. તેને સગપણની સમજ નહિ પડી હોય કે શું ? તત્કાળ સ્થિર થઈ તેણે જવાબ આપ્યો : ‘હું તમારી મા થાઉં.’
‘મા ?’
કુસુમાયુધના હૃદયમાં અનેક વિચારો આવી ગયા. સગપણ સાંભળતાં બરોબર તેને એક વખત તો એમ જ થયું કે માની કોટે બાઝી પડું. પરંતુ કોણ જાણે કેમ તે એવી ચેષ્ટા કરી શક્યો નહિ. છતાં તેણે તે સ્ત્રીનો હાથ પકડી લીધો અને પોતાના બે હાથ વડે દાબ્યો. મા કહેવરાવવા માગતી સ્ત્રી જરા હસી; પરંતુ એકલું હસવું કાંઈ બસ થાય ? શા માટે તે પોતાને ખોળામાં લઈ વહાલ નથી કરતી ? કુસુમાયુધે શંકા પૂછી : ‘તમે મારાં ખરાં મા થાઓ ?’
બાળકની બુદ્ધિ મોટાને તાવે છે. પરણીને આવી તે પહેલે જ દિવસે એક બાળક આ યુવતીની કપરી પરીક્ષા લેતો હતો. તે જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે; તે જાણીને જ તેણે પોતાનાં લગ્ન થવાં દીધાં હતાં. પરંતુ બાળઉછેર એ માને જ અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન અપરમાને તો ઘણો જ વિકટ થઈ પડે એવો હતો એની તેને પૂરી ખબર નહોતી. છતાં તેણે જવાબ આપ્યો : ‘હા ભાઈ ! હું તમારી ખરી મા થાઉં, હો !’
‘ત્યારે તમે મને ‘તું’ કહીને કેમ બોલાવતાં નથી ?’
‘એમ કરીશ.’
‘અને હું તમને શું કહું ?’
‘બહેન કહેજો.’
મા કે બા જેવો શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી નહોતી. પત્ની તરીકેના કંઈ કંઈ કોડ તેને પૂરવાના હતા. ‘મા’ કે ‘બા’ શબ્દ તો બહુ ઘરડો પડે એમ તેને લાગ્યું. બાળક હતાશ થયો.

બીજી વાર લગ્ન કરનાર પુરુષને લોકો હસે છે, મહેણાં મારે છે. કવચિત તેનો હળવો તિરસ્કાર પણ કરે છે. મોટે ભાગે સ્ત્રીઓ અને પત્નીસુખ ભોગવતા પુરુષો આ વૃત્તિ ધારણ કરે છે. સ્ત્રીઓની એ વૃત્તિ સકારણ છે. સ્ત્રીઓને સંસારસુખ વગર ચાલશે અને તેમણે ચલાવવું જ જોઈએ એવી પ્રથા પાડનાર પુરુષો સંસારસુખ વગર ક્ષણ પણ ચલાવી ન લે તો તેઓ સ્ત્રીઓના તિરસ્કારને પાત્ર છે જ. પરંતુ પત્નીસહ સંસારસુખ અનુભવતા પુરુષો પણ એ તિરસ્કારવૃત્તિ દેખાડવામાં સામેલ થાય ત્યારે તેમને કોઈ જરૂર કહી શકે કે એ હક તમારો નથી. બાળક કુસુમાયુધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. પુરુષના એ હકનો તત્કાળ સ્વીકાર થયો અને તેનાં લગ્ન થયાં. પુરુષ સમજણો હતો; તેણે પરણવા તૈયાર થયેલી યુવતીને કહી દીધું કે ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેણે ઉછેરવો પડશે. યુવતીએ તે કબૂલ કર્યું. એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું. અને ઘરમાં આવી માતૃભાવભૂખ્યા કુસુમાયુધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાનો પ્રામાણિક પ્રયત્ન તેણે આદર્યો.

‘કુસુમાયુધ હવે ઊઠશો કે ? સાત વાગી ગયા.’ ધીમેથી તે બાળકને જગાડતી.
‘હવે માથામાં ધુપેલ નાખવું જોઈએ.’ બાળક તેની પાસે બેસી વાળ ઓળાવતો.
‘હવે નાહી લ્યો.’ કુસુમાયુધ નાહી લેતો.
‘ભાઈ હવે ઊઠી જાઓ. બે કરતાં વધારે રોટલી ન ખવાય’, માતાની આજ્ઞા પાળી બાળક ઊઠી જતો.
‘બહુ દોડવું નહિ, હોં !’ બાળકના પગ આજ્ઞા થતાં અટકી જતા.
‘અને ચીસ પાડીને બોલાય જ નહિ.’ બાળકના અણુઅણુમાં ઉભરાતો ઉત્સાહ શમી જતો.
બાળકને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિ અપરમામાં જાગૃત થઈ ગઈ. બાળક સુખી અને સારો થાય એ માટે તેણે ભારે મહેનત લેવા માંડી. બાળક સારો થતો ચાલ્યો, આજ્ઞાધારક થતો ચાલ્યો; પરંતુ તેને ખરેખર શંકા થવા લાગી : ‘મા આવી હોય ?’
આકાશમાં ઊડતું કલ્લોલતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય અને જે સ્થિતિ અનુભવે તે સ્થિરતા કુસુમાયુધની થઈ. તેનાં કપડાંમાં સ્વચ્છતા આવી; તેની ગતિમાં સ્થિરતા આવી; ગૂંચવનારી પ્રશ્ન પરંપરાને બદલે ડહાપણભરી શાંતિનો એણે સહુને અનુભવ કરાવ્યો; અને આખો દિવસ પગ ન વાળતો ધાંધલિયો છોકરો નિશાળે જવાની પણ હા પાડવા લગ્યો.

માત્ર તેનું શરીર સુકાતું ચાલ્યું.
‘આ કુસુમાયુધ બિલકુલ લોહી લેતો નથી. ડૉક્ટરને પૂછો ને ?’ અપરમાને ચિંતા થઈ. પિતાને વધારે ખાતરી થઈ કે મા પોતાની ફરજ બરાબર બજાવે છે. તેણે સારા ડૉક્ટરને બોલાવ્યો, ડૉક્ટરે કુસુમાયુધને જોઈ મત આપ્યો : ‘કાંઈ ખાસ વિક્રિયા નથી. કૉડલીવર આપો.’ માએ કૉડલીવર કાળજીપૂર્વક પાવા માંડ્યું. બાળકને લાગ્યું કે આ ગંદી દવા પીવી એના કરતાં માંદા રહેવું એ વધારે સારું છે. છતાં માની શિખામણ અને આગ્રહ આગળ તેણે પોતાના મતને કચરી નાખ્યો.
‘ભાઈ ! આટલી દવા પી લ્યો; પછી રમવા જાઓ.’ મા કહેતી.
‘બહેન ! એ તો નથી ભાવતી.’
‘ન ભાવે તોય એ તો પીવી પડે.’
‘કેમ ?’
‘ડોક્ટરસાહેબે કહ્યું છે.’
‘એમના કહ્યા પ્રમાણે કરવું જોઈએ ?’
‘હાસ્તો !’
‘તે બધાંયના કહ્યા પ્રમાણે કરવું જોઈએ ?’
‘મોટાં કહે તે પ્રમાણે નાનાંએ કરવું જ જોઈએ.’
‘ન કરીએ તો ?’
‘માંદા પડાય.’
‘હું માંદો પડ્યો છું ?’
‘હા; જરાક.’
‘દવા ન પીઉં તો ?’
‘તો મરી જવાય.’
અપરમાએ બીક બતાવી. બાળકને તે ધમકાવતી નહિ. બાળઉછેર વિષે તેણે ઘણું વાંચ્યું હતું એટલે ધમકાવવા કરતાં વાદવિવાદ કરી બાળકને નિરુત્તર બનાવી તેની પાસે પોતાનું કહ્યું કરાવતી. આટલી લાંબી વાત કવચિત જ થતી; પરંતુ થતી ત્યારે બાળકને શાસ્ત્રીય રીતે સમજાવ્યાનો તેને સંતોષ થતો. જોકે બાળકનો મત એ વિષે જુદો જ હતો‘મરી જવાય તો શું ખોટું ?’શાન્ત બની કૉડલીવર પી જતાં બાળકના હૃદયમાં પ્રશ્ન થયો. ‘મા મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું.’ તેને પોતાની માતા સંબંધી ઝાંખી ભુલાઈ જવા આવેલી વાત યાદ આવી. ‘હું પણ મરી જાઉં તો માને મળાય, નહિ ?’ તેના મતે તર્ક કર્યો. એ તર્ક તેને પ્રમાણભૂત લાગ્યો. કૉડલીવર અને કાળજી છતાં કુસુમાયુધ ખરેખર માંદો પડ્યો.

‘ભાઈ ! તમને શું થાય છે ?’ નિત્યનિયમ પ્રમાણે નાહીને જમવા આવતા બાળકને માતાએ પૂછ્યું.
‘કાંઈ નહિ, બહેન !’ કુસુમાયુધે જવાબ આપ્યો.
‘અરે, પણ તમારી આંખો તો લાલ થઈ ગઈ છે !’
‘મને ખબર નથી.’
‘અને આ શરીર ઉપર રૂંવાં ઊભાં થઈ ગયાં છે !’
‘જરા ટાઢ વાય છે.’
‘ત્યારે તમે નહાયા શું કરવા ?’
‘નહાયા સિવાય જમાય નહિ, અને જમ્યા સિવાય તો નિશાળે કેવી રીતે જવાય ?’ કુસુમાયુધે પોતાના જીવનને ઘડતા એક ગૃહનિયમનું પ્રમાણ ટાંક્યું. એમ કરતાં બાળક વધારે કંપી ઊઠ્યો. માતાએ જોયું કે કુસુમાયુધના દાંત કકડી ઊઠતા હતા. તેણે બૂમ પાડી :
‘અરે બાઈ ! જો ને, ભાઈને તાવ તો નથી આવ્યો ?’
નોકરબાઈએ આવી બાળકના શરીરને હાથ અડાડ્યો અને કહ્યું : ‘બા સાહેબ ! શરીર તો ધીકી ઊઠ્યું છે !’
‘આમ એકદમ શાથી થયું ?’
‘હું નવરાવતી હતી ત્યારે મને શરીર જરા ઊનું લાગ્યું હતું.’
‘ત્યારે તેં નવરાવ્યો શું કામ ?’
‘મારા મનમાં કે અમસ્તું જ હશે.’
‘જા, જા, પથારી પાથરી ભાઈને સુવાડી દે. બરાબર ઓઢાડજે. હું ડૉક્ટરને બોલાવું.’
‘પણ બહેન ! મારી નિશાળનું શું ?’ નોકરબાઈના હાથમાં ઉંચકાતા કુસુમાયુધે પૂછ્યું. માતાને આ બાળકની નિયમભક્તિ જોઈ દયા આવી. તે બોલી ઊઠી :
‘મોઈ નિશાળ ! આવા તાવમાં જવાય ? જઈને સૂઈ જાઓ, ભાઈ, હું આવું છું હો.’

નોકરબાઈ બાળકને ઊંચકી લઈ ગઈ. માતા બબડી ઊઠી : ‘ભાડૂતી માણસો ! એમને શી કાળજી ? શરીર ઊનું હતું ત્યારે નવરાવ્યો જ શું કામ ? પણ નોકરને શું ?’ થોડી વારમાં ભાડૂતી ડૉક્ટર પણ આવી પહોંચ્યા. ભાડૂતી બાઈના હવાલાને બદલી નાખી તે ક્ષણ પૂરતો બાળકનો હવાલો અપરમાએ લીધો. બાળકને તાવ કેમ આવ્યો, ક્યારે આવ્યો વગેરે હકીકત તેણે ડૉકટરને કહી. સૂવા મથતા બાળકની આંખોનાં પોપચાં ડોક્ટરે ખેંચી ઉઘાડ્યાં; તેની બગલમાં થર્મોમીટર ખોસી દીધું; બાળકને તેમણે ચત્તું કર્યું, ઊંધું સુવાડ્યું, અને તેની છાતી, પેટ તથા વાંસામાં તડિંગ તડિંગ આંગળાં ઠોકાયાં. ઊથલાઊથલી પૂરી કરી ડૉક્ટરે દવા લખી આપી; અને જરૂર પડ્યે ફરી બોલાવવાનું ધીરજપૂર્વક સૂચન કરી તેઓ ચાલ્યા ગયા. બાળકનો તલખાટ વધી ગયો. તેનો દેહ આમતેમ તરફડતો હતો. માતાએ ડૉક્ટરને ફરી બોલાવ્યા. બાળકના પિતાને પણ કચેરીમાંથી બોલાવ્યા. પતિપત્ની બાળકની પાસેથી ઊઠ્યાં નહિ. રાત્રે માએ જમવાનું પણ માંડી વાળ્યું.

બાળકના માથા ઉપર સતત બરફ મૂકવાનો ડૉક્ટરનો હુકમ હતો. ડૉક્ટરો હુકમ આપતી વખતે હુકમ પળાવાની શક્યતાનો ભાગ્યે જ વિચાર કરે છે. નોકરો બરફ મૂકી કંટાળ્યા અને બાળકના માથા ઉપર જ ઝોકાં ખાવા લાગ્યા. માતાએ નોકરોને સુવાડી દીધા અને બરફ ફેરવવાનું પોતે શરૂ કર્યું. ફરજ બજાવવા મથતી માતાને એમાં કાંઈ ભારે કામ લાગ્યું નહિ. રાતના બાર વાગતાં સુધી તેણે વગર આંખ મીંચ્યે બાળકને માથે બરફની થેલી ફેરવ્યા કરી. પછી તેના પતિએ આગ્રહ કરીને તેને સુવાડી. અને તે પોતે પુત્રની શુશ્રૂષામાં રોકાયો. માતાને કોણ જાણે કેમ ઊંઘ ન આવી. જરા વાર થઈ અને બાળકે ચીસ પાડી : ‘ઓ મા !’ અપરમા પથારીમાંથી એકદમ ઊઠીને બેઠી થઈ ગઈ. અણઘડ પુરુષના હાથમાંથી થેલી તેણે લઈ લીધી અને તે પછી પોતે બાળક પાસે બેઠી. રાત્રિના એકાન્તમાં ફરી બાળક લવી ઊઠ્યો : ‘મા !’
‘ઓ દીકરા !’ એમ જીભે આવેલા શબ્દ માતાએ ઉચ્ચાર્યા નહિ; તેને જરા શરમ આવી. તેણે માત્ર એટલું જ પૂછ્યું : ‘કેમ ભાઈ ! શું છે ?’
બાળકે આંખ ઉઘાડી અને અપરમા સામે જોયું.
‘તમે નહિ.’ કહી બાળકે આંખ મીંચી દીધી.
‘બૂમ પાડી ને ?’
‘એ તો માને બૂમ પાડી.’ આંખ ખોલ્યા વગર બાળકે કહ્યું.
‘તે હું જ મા છું ને !’ માતાએ કહ્યું.

બાળકે ફરી આંખ ઉઘાડી માતા તરફ તાકીને જોયું.
‘હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું.’
અપરમાનું હૃદય ધડકી ઊઠ્યું. તેના હૃદયમાં ચીરો પડ્યો : ‘હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી ?’
તેણે કહ્યું : ‘તે હું જ વળી ખરી મા છું.’
‘ખરી મા મને તું કહેતી હતી : તમે નહિ.’
‘મેં ક્યારે તને ‘તમે’ કહીને બોલાવ્યો ?’ માતા જૂઠું બોલી.
‘પણ મારી ખરી મા તો મરી ગઈ છે ને ?’
‘તે હું આવી, જોતો નથી ?’
‘કેમ ?’
‘ઓ દીકરા, તારે માટે !’ અપરમા ખરી મા બની ગઈ. તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. તેના હૃદયમાં માતૃત્વનો પાતાળકૂવો ફૂટી નીકળ્યો. બાળકની નાની પલંગડીમાં તે સૂતી અને બાળકને તેણે છાતી સરસો લીધો. બાળકને આ ઉમળકાનો ઊંડો અર્થ સમજવાની જરૂર નહોતી. તે તો એટલું જ સમજ્યો કે આમ છાતી સરખો ચાંપીને ખરી મા જ સૂએ. ખરી માને બાઝીને કુસુમાયુધ ગાઢ નિદ્રામાં પડ્યો : તેના દેહને બાળતો અગ્નિ શાન્ત પડી ગયો.

હવે તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર નહોતી. આજે તે માની અમૃતભરી સૉડ પામ્યો હતો.

જીવું છું

હજાર સપનાઓનો ભાર લઈને જીવું છું,
એક સફળતાનો પરિવાર લઈને જીવું છું.


હારી ગયા છે દુ:ખો, હજીય કોનામાં હામ છે,
હું તો મૃત્યુનો ય વેપાર લઈને જીવું છું.


અહોભાવના આખરે પડીકાં વળતા જોયાં,
તોય હું સન્માનનો અધિકાર લઈને જીવું છું.


મોટાઈનો દંભ એ સચરાચર વ્યાપક છે,
હું તો માણસાઈનો શણગાર લઈને જીવું છું.


અભિમાનના વહાણો તરે છે ઉંડે તોય,
હું હજીય મારો વિચાર લઈ જીવું છું.


ક્યાંથી મળશે એ જેને મારી જરૂર છે,
બાકી હું તો પારકો સંસાર લઈ જીવું છું.