08 April 2011

કદર દેખાય છે

આ કલમથી એ કસર દેખાય છે,
એજ શબ્દોમાં જખમ દેખાય છે.

ઓસરી ગ્યા નૂર જાણે કેટલાં,
લાગણીની ક્યાં અસર દેખાય છે.

લ્યો અનોખો ટેરવાને ભાસ છે,
આખરે તેમાં જખમ દેખાય છે.

આજ ઓછપ કેમ લાગે વાતમાં
વેદનામાં ક્યાં ફરક દેખાય છે.

માણવા જેવી મળે તો એ ગઝલ
દાદ આપે તો કદર દેખાય છે.

-કાંતિ વાછાણી 16-1-2011

સાંચા જેવુ ભીતર જોઈએ

સાવ ખાલી એવુ ભીતર જોઈએ,
મૌન બોલે એવુ ભીતર જોઈએ,

કોણ આપે ખાતરી એ વાતને,
લાગણી થૈ એવુ ભીતર જોઈએ.

આ ઉધામા પણ હવે ના થાય તો,
જડભરત ના જેવુ ભીતર જોઈએ.

એક ક્ષણના અસ્તમાં આ ભૂલાય છે,
રાતભર હાર્યા એવુ ભીતર જોઈએ.

કમનસીબી કેમ રાખી જીવતરમાં,
લાગણી સાંચા જેવુ ભીતર જોઈએ.

-કાંતિ વાછાણી