08 January 2009

કલ્પ-સંકલ્પ વૃક્ષ


પંખીઓ ઊડવાના કલાસ નથી ભરતાં
ન માછલી સ્વિમિંગ પૂલ જાતી,
ખુશબોએ વાયરાનું ટયૂશન કયાં રાખ્યું છે
તો પણ એ કેવી ફેલાતી.

ભમરો વિશારદ નથી તોય ગાય
કહે ફૂલોને કાનમાં પતંગિયાં,
બેટરીનું ખાનું વિજ્ઞાન નથી જાણતા
તો પણ શું ચમકે છે આગિયા.

ઝરણાઓ પૂછીને ભૂસકાં ન મારતાં
કેટલીક મળવાની ખ્યાતિ. પંખીઓ...

ઝાડવાંઓ યોગાસન શીખ્યાં નથી જ
છતાં ઊભાં અઠંગ એક ચરણે,
કીડી મંકોડાને ચિંતા કયાં હોય છે
કોણ મારી દીકરીને પરણે.

ઈર્ષા આવે દોસ્ત! એ રીતે ઊજવે છે
એ લોકો એમની હયાતી. પંખીઓ...

પર્વત પણ બી. એ., બી. એડ. નથી તોય
એની વાદળ સુધીની છે પહોંચ,
માણસ શું શીખ્યાં કે માણસાઈ લંગડાતી
મનમાં પહેરી જાણે મોચ.

આપણને નહીં એ લોકોને જોઈને
ઈશ્વરની છાતી ફુલાતી. પંખીઓ...

No comments:

Post a Comment