01 March 2011

સપના ઓથે જાગશું રે

અંધારી રાતના સપના ઓથે જાગશું રે વાલમ,
સગપણના સંતાપને ક્યા મોઢે માગશું રે વાલમ.

મન મુકી ને માણે એવી
વસંત બની છે પુર બહારે,
આજ તો જાણે અજાણે કોઈ
મોસમ ખીલી છે તારે સહારે.

અજાણ્યા મારગે લહેરોને સાથ જાણશું રે વાલમ.
અંધારી રાતના સપના ઓથે જાગશું રે વાલમ,

મનઝરુખે મોકળાશ લઈને
અંગઅંગમાં સંતાપ જાગે,
આભના ચંદરવે આવીને
અઢળક વાતો વહેતી માગે,

પડછાયા નિતરે એવી જાત જાણશું રે વાલમ.
અંધારી રાતના સપના ઓથે જાગશું રે વાલમ,

-કાંતિ વાછાણી
૨૭-૦૨-૨૦૧૧

સાંજના સૂર

સમી સાંજના સૂર રેલાવો,
હરિ આજ મારા અંતરપટના અંધારા મેલાવો.

આથમતા અજવાળે કોઈ તરણુ જાણી,
માન ભાન ભુલી ને તારુ શરણુ તાણી,

ભલે અક્ષરના મારગ કેમ ન આકરા ઠેરાવો.
સમી સાંજના સૂર રેલાવો,

વધઘટના હિસાબ લેજો મારા ચોપાડે ખાલી,
જીવનબાગનાં તમે થાજો અજોડ વનમાલી,

હરિ આમ અધકચરી ઓળખ બની ના સતાવો.
સમી સાંજના સૂર રેલાવો.

-કાંતિ વાછાણી
૨૭-૦૨-૨૦૧૧