27 February 2009

પરંપરા

દત્ત રોય ચૌધરીના ખાનદાનમાં જાણે બૉમ્બ પડ્યો ! એવી ખબર પડી કે સતીશચંદ્રની એકની એક દીકરી ભૈરવી પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની છે. સતીશચંદ્રના પિતા કાલીચરણ ચૌધરી અને કાલીચરણના પિતા રાધારમણ ચૌધરી અને રાધારમણના પિતા દત્ત રોય ચૌધરી. એમનું આ ખાનદાન. તેમાં ક્યારેય આવું બન્યું નથી. કોઈએ આવો વિચાર સુદ્ધાં નથી કર્યો. લગ્ન તો વડીલોએ જ ગોઠવવાનાં હોય. આ તો પેઢી દર પેઢીની ચાલી આવતી પરંપરા ઉપર ભારે મોટો આઘાત ! આવી રીતે તો ખાનદાનનું ધનોતપનોત નીકળી જાય.

બહારની દુનિયા ગમે તેટલી બદલાઈ હોય, પણ દત્ત રોય ચૌધરીના ખાનદાનમાં કશું નથી બદલાયું. આજે પૂરા ત્રીસેક સભ્યોનું આ એક બહોળું સંયુક્ત કુટુંબ છે. લગભગ સો-સવા સો વરસ પહેલાં દત્ત રોય ચૌધરીએ બાંધેલા મકાનમાં જ બધાં સાથે રહે છે. તેનું ફર્નિચર પણ નથી બદલાયું અને ઘરમાંના રીતરિવાજો પણ નથી બદલાયા. જુવાન પેઢી હવે બહારની દુનિયામાં હસતી-ફરતી થઈ છે, પણ કોઈએ કદી ખાનદાનની અને વડીલોની અમાન્યા નથી તોડી. તેવા વાતાવરણમાં આવી ઘટનાથી બૉમ્બ જ પડે ને ! ભૈરવી પણ આ જ ખાનદાનમાં જન્મી ને ઊછરી. આ જ પરંપરાથી તે પણ રંગાઈ. તેમ છતાં પહેલેથી તે જરીક જુદી હતી. ઘરમાં બધાં જાણતાં કે ભૈરવી એક વાર કાંઈક નક્કી કરે એટલે તેમ કરીને જ રહે. એ હતી ઘણી વિનયી, સંસ્કારી, કોઈનાયે દિલને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખનારી. તેમ છતાં એટલી જ મક્કમ. ઘરમાં બધાં જ કહે કે છોકરી તે કોઈ દિવસ ડૉક્ટર થાય ? પણ ભૈરવી પોતાની વાતને વળગી રહી, વિજ્ઞાન શાખામાં જ દાખલ થઈ અને હવે એકાદ વરસમાં ડૉક્ટર થઈ જશે. તેણે પસંદ કરેલો આશિષ તેની સાથે જ ભણતો હતો.
ભૈરવીએ આ વાત પહેલાં પોતાની માને કહી. મા તો સાંભળીને હેબતાઈ જ ગઈ. તેના માન્યામાં જ ન આવ્યું. મા તેર વરસની ઉંમરે વહુ તરીકે આ ખાનદાનમાં પ્રવેશેલી. ત્યારથી આજ સુધી આવી અવનવી વાત તેણે ક્યારેય નહોતી સાંભળી. ‘બેટા, આ તું શું કહે છે ? તારી આ વાત કોઈ માન્ય નહીં રાખે. ઘર, ખાનદાન, મોભ્ભો કશુંયે જોયા વિના લગ્ન કરવાનાં ?’‘પણ મા, તું આશિષને ઓળખે છે. આપણે ત્યાં ઘણી વાર આવી ગયો છે. મારી સાથે જ ડૉક્ટર થશે. પછી તેમાં વાંધો શો ?’‘નહીં, બેટા ! તું આ વાત ભૂલી જા. આપણા ખાનદાનમાં આવું ન થાય. લગ્ન તો વડીલો જ ગોઠવે. તારા આવા પ્રેમલગ્ન સાથે કોઈ સંમત નહીં થાય.’ અને એવું જ બન્યું. બધાંએ જ્યારે જાણ્યું, ત્યારે જાણે બૉમ્બ પડ્યો ! ઘરનું વાતાવરણ તંગ થઈ ગયું. અને પછી એક રાતે આખું કુટુંબ ભેળું થયું. આવો પ્રશ્ન અગાઉ ક્યારેય નહોતો ઊભો થયો.
મોટાકાકાએ શરૂઆત કરી : ‘ભૈરવી, અમે જાણ્યું કે તું તારા પસંદ કરેલા છોકરા સાથે લગ્ન કરવાની છે. શું આ સાચું છે ?’‘હા, સાચું. પણ હવે એ છોકરો નથી, મોટો ડૉક્ટર થઈ રહ્યો છે. મારી સાથે ભણે છે, અને કાયમ પહેલો નંબર રાખે છે.’‘એ હશે. પણ તને ખબર નથી કે આપણા ખાનદાનમાં આવું અગાઉ કદી થયું નથી ? લોકો શું કહેશે ? દત્ત રોય ચૌધરીના કુટુંબની દીકરીએ પ્રેમ-લગ્ન કર્યું !’‘મને આમાં કશું ખોટું જણાતું નથી. બલ્કે, પ્રેમ સિવાય પરણવાનું હું વિચારીયે શકતી નથી.’‘શું તારું એમ કહેવું છે કે અમારા બધાંનાં લગ્ન વડીલો દ્વારા ગોઠવાયાં તો તેમાં પ્રેમ નથી હોતો ?’ – તેના પિતા વચ્ચે જ ગરજ્યા.મોટા કાકાએ ઉમેર્યું : ‘અને આ બધાં પ્રેમ-લગ્નોના શા હાલ થાય છે, તે તું નથી જોતી ? જરીક વાંકું પડ્યું કે પ્રેમ-બ્રેમ તો જાય ઊડી ! બે-પાંચ વરસમાં જ છૂટાછેડાની નોબત આવે.’‘એવું તો વડીલોએ ગોઠવેલાં લગ્નોમાંયે ક્યાં નથી થતું ? મારી માસીની દીકરી બે વરસમાં જ ઘરે પાછી આવી ને !’

હવે પિતાએ અલ્ટીમેટમ આપી દીધું : ‘બસ, બહુ થયું હવે ! મારે વધુ નથી સાંભળવું. જો, કાન ખોલીને સાંભળી લે ! આપણા ખાનદાનની પરંપરા વિરુદ્ધ કાંઈ પણ થતું અમે નહીં સાંખી લઈએ. જો તું તારી હઠ પકડી રાખીને આવી રીતે લગ્ન કરશે, તો પછી આ ઘર સાથે તારો કોઈ સંબંધ નહીં રહે. અમે તને મરી ગયેલી માનીશું.’ ભૈરવી સડક થઈ ગઈ. તેની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. ઘરમાં વિરોધ થશે, એમ તો તેણે માનેલું. પણ આટલી હદે થશે, તેની તેને કલ્પના નહીં. એકદમ સોપો પડી ગયો. ત્યાં વયોવૃદ્ધ દાદીમાનો ધીરગંભીર અવાજ સંભળાયો : ‘એવું જ થશે, તો મારો સંબંધ પણ તમારા કોઈ સાથે નહીં રહે. મને આ લગ્નમાં કોઈ વાંધો જણાતો નથી.’‘મા, તમે આ શું કહો છો ? સવાલ પેઢી પર પેઢી ચાલી આવતી ખાનદાનની પરંપરાનો છે.’દાદીમા કશાયે ખચકાટ વિના દઢ સ્વરે બોલ્યાં : ‘પરંપરા પોષવા માટે છે, મારવા માટે નહીં. તમે લોકો લાખ પ્રયત્ન કરશો, તોયે ભૈરવી માટે આનાથી સારો સાથી શોધી શકાશે નહીં. ત્યારે એક વસ્તુ સારી છે અને સાચી છે, તો તમારી પરંપરામાં આટલો સુધારો નહીં કરી શકો ? નવી પેઢીને નવી પરંપરા પાડવાનો હક નથી ? પરંપરાને વહેતું ઝરણું રહેવા દો. બંધિયાર ખાબોચિયું થશે તો ગંધાઈ ઊઠશે.’
દાદીમાએ ભૈરવી પાસે જઈ તેના માથે વહાલથી હાથ ફેરવતાં કહ્યું, ‘બેટા, હું તારી સાથે છું. તારી પસંદગી મને માન્ય છે. આ લગ્ન માટે મારી પૂરેપૂરી સંમતિ છે.’ ભૈરવીને ત્યાં બેઠેલા સહુમાં સૌથી વધારે વૃદ્ધ દાદીમા સૌથી વધારે જુવાન લાગ્યાં.

(શ્રી નંદિતા ચૌધરીની બંગાળી વાર્તાને આધારે.)

21 February 2009

હાઈકુ

ઝળકે મોતી
અજવાળા આંજે
આગિયા રાતે.

સ્મરણ લઈ
તડફે પાનખર
વસંત જોઈ.

હતા પ્રભાતે
કોરા સપના થયા
ઝાકળ ભીનાં.

મા નું વહાલ
ઝંખે વિખરાયેલ
સ્મૃતિ તડફે.

વા'ણુ વાયુ ને
નેણે પડખુ ફર્યુ
અતીત આજ

કાંતિ વાછાણી

20 February 2009

શિવ તાંડવ

બજે ડમરુ હાથ, તાલ અનંત સંગે,
સજે ભુજંગ સાજ, કરે ભભુત અંગે,

ભાલ ત્રિનેત્ર લાલ, શીશ જાહ્ન્વી ધરે,
લઈ ત્રિશુલ કર, તન વ્યાધાંબર ધરે,

ધરે રુદ્રાક્ષ માળ, થઈ ક્રોધિત જાચે,
જય શંકર શિવ, આજ તાંડવ નાચે,

કાંતિ વાછાણી

ત્રિપદી

કેડીએ કેસુડા મ્હોર્યા કયાંક ફાગણ ફોરે..
લૂ ના ટસિયા જાણે ખાખરે ફુટયા,
વાસંતી વિઝણા હૈયામાં જાગરણ કોરે..

કયાંક હતુ હૂંફનુ ઉપવન વહેતી વાતમાં..
ગુલમોર હતા જાણે મનડે વસ્યા,
આવે પ્રભાતે થઈને શમણાં પારિજાતમાં..

કાંતિ વાછાણી

અનમોલ વાત

થયો ઉજાસ કોઇ આભલે મઢી રાત હતી,
તેજ-તિમિર લઈ તણખે સજી વાત હતી.

હતું આગિયાને અજવાળે કાંઈ વિસ્મય ને,
વણકહ્યા વેણ લઈને અનમોલ વાત હતી.

મારે પાલવડે કાંઈ ટહુક્યા મોરલીયા ને,
શમણાની સવારી તરસે કઈ વાત હતી.

આંખે સળગે અંગારા લઈ જુના સંભારણાં ને,
ચુંબન મઢ્યા હોઠ કહેશે કોઈ વાત હતી.

કાંતિ વાછાણી

17 February 2009

'વસંત આવ્યાનો મને વહેમ છે

રખડુ ટહુકાનું એક ટોળું
વગડામાં
ચોગરદમ ફરી વળ્યું
ત્યારે
વાયરાએ
પાંદડાના કાનમાં ફૂંક મારીને
દબાતા સાદે
એટલું જ કહ્યું:
'વસંત આવ્યાનો મને વહેમ છે.'

પ્રેરણા બિંદુ

અંધકારએ વાસ્તવિકતા છે, અંધકારને પોતાનું અસ્તીત્વ છે,
અજવાળુ હંમેશા બીજાનાં સ્તોત્રથી પરાવર્તીત થાય છે,
એ અજવાળાની કોઇ ચોક્કસ મર્યાદા હોવા છતાં પોતાપણું છોડી
પ્રેરણાત્મક બળ પમાડે ત્યારે પોતાનું પૂરકગણ બનાવતુ હોય છે.
ઉર્મિના અજવાળાને ઈંધણની જરુર ન હોય !
એ તો સમયના વેગથી ઊંડે ઊંડેથી જે કાંઈ પ્રેરણાત્મક બિંદુને
ક્ષિતિજ પર છોડે ત્યારે તેની કોઇ છાપ અંકિત કરતુ હોય છે
તે સમય આવે એની ઓળખ સ્મૃતિપટ કાયમ કરતુ જાય છે.....

16 February 2009

પ્રેરણાની જ્યોત

અતીતનાં અજવાળામાં વર્તમાન સામાન્યપણે
ધુધળું અને અનિશ્ચિત દેખાય તો પણ ભવિષ્યનાં
અંધકારને પામવા પ્રેરણાની જ્યોત ઈશ્ર્વરીય
સંદેશથી જરુર નવી દિશાઓ ખુલી કરતી હોય છે.

શૈશવની દુનિયા

લીટાવાળી દીવાલો પર લટકે,
આખું બચપણ થઇને ફોટો,
વા થયેલ પગને હજુ યે…
વીતી ગયેલ પળમાં મૂકવી દોટો
જન્મદિવસ તો છે યાદ..
યાદ નથી….
કઇ તારીખે ભૂલી જવાયું..
રમતા અડકો-દડકો!!!

સમયની ધૂળ ચોંટી બારસાખે,
તો ય ..
આજે પણ..
ધ્યાન રાખું છું
તમે દોરી ગયેલ સાથિયાનું.

11 February 2009

સ્નેહનુ ઇંધણ

જ્યારે સમયનાં ઉમળકાને પ્રતિસાદ ન સાંપડે ત્યારે
મન હંમેશા વ્યથિત થાય એ પ્રકૃતિ વિરુધ્ધની વાત છે,
પણ એ તેના તરંગોનો આવેગ ક્યારેક આવી જાય છે,
ત્યારે સ્નેહનાં ઇંધણની વધારે જરુરિયાત વધારાનું આત્મબળ અર્પે છે.
સ્નેહનાં લાક્ષણિક સ્વરુપની જે અભદ્યય કદર જાહેર કરવીએ વ્યાવહારિક
જગતને જરુર જાણવા ને માણવા જેવી છે.

ક્યાંક મૃગજળ

હવામાં હસ્તાક્ષર ઓગળી ગયા જેવું,
અંધારે પડછાયા પીગળી ગયા જેવું.

પરોઢે શમણાઓ વિખાય ગયા જેવું,
ક્યાંક મૃગજળમાં ભીંજાય ગયા જેવું.

કૈં ઉજાગરે આનંદ લુંટાય ગયા જેવું,
ભીડમાં એકલપણ ખોવાય ગયા જેવું.

સંભારણા જૂના સંકોચાય ગયા જેવું,
યૌવન આજનું ઉકેલાય ગયા જેવું.

પ્રિત

આંખને અજવાળે કેવી વાત ઓઝલ હતી,
બંધ પરબીડીયા જેવી આજ સોબત હતી.

થયો ઝગઝગાટ પ્રિય વાત નાજુક હતી,
આંગણે ઉભી કંપે ભોળી પ્રીત ફોગટ હતી.

પ્રતિબીંબ પારખે કંઈ વાત સાબુત હતી,
અકારણ આવે હીચકી વાતની સંકેત હતી.

વા'ણુ વાયુને ઉજાગરે રાત સહેવી હતી,
ભલે અંગારા સળગે મારે પ્રિત કરવી હતી.

09 February 2009

એ વાતમાં શો માલ છે..........

વિદ્યા મળે વસુધા મળે, વિધવિધ બહુ વૈભવ મળે,
અધિકારની પદવી મળે વળી, માનીતા માનવ મળે.
કાયા રૂડી જાયા મળે, માયા ઘણી જ વિશાળ છે,
પણ, એક ચારિત્ર્યમાં નહિ ઢંગ નહિ તો એ વાતમાં શો માલ છે......

ભાવગીત

પ્રભાતે આતુર મોહન મુખ જોવા રે...
મારે આઠે પહોરે આનંદ સુખ સેવા રે...

તારે કેવી માખણ મીસરિની સેવા રે..
મારે તો મુઠી તાંદુલનુ દુખ રોવા રે....

થઈને શામળિયાના કેવા દુખ જોવા રે...
તે તો ગોપીને સુ આપ્યુ સુખ જોવા રે...

હતી માયા શામળિયાની દુખ દેવા રે...
વિચરે આનંદ સહુ વાણી સુખ લેવા રે..

05 February 2009

નાજુક વાચા

લઈને આવે રોજ શબ્દોની સવારી,
તોય જુઓને વાચા નાજુક કુંવારી.

પાપણે પહેરો ભરે અંતરની ખુવારી,
વણકહ્યા વૅણની હતી નાજુક સવારી.

પ્રતિભાવ નવ ઝંખે પ્રેમની કિનારી,
હથેલીમાં નિરખુ રેખા નાજુક કુંવારી.

અચાનક બની સમીકરણની સવારી,
તોય જુઓને વાચા નાજુક કુંવારી.

વસંત પાંગરે

વસંત પાંગરે નવ જોબન ઉમંગ આજ,
મધુરા પાંગરે દ્રુમ વેલી ઉછરંગ આજ.

વનરાજી શોભે થઈને સુહાગન આજ,
પ્રિયતમ પધારો લઈને ઉમંગ આજ.

કેસરિ સાજ શોભે,લઈને ગુલાલ આજ,
ફુલડાની ફોરે ભ્રમર ગુંજે ઉમંગ આજ.

હીરા મોતીડે સેર ગુંથાવુ ગજરા આજ,
આવો તો મનોહર થાયે ઉમંગ આજ.

ધીરે ના ધરપત હૈયે હુલ્લાશ આજ,
પધારો ફાગણ ફોરે થાયે ઉમંગ આજ,

વસંતની શરુઆત

ઠુંઠી ડાળે કુપળો ફુટી લઈને બારાત,
કેવી હતી નવ જોબનની શરુઆત.

આજ પ્રકૃતિ કરે ખુશરંગ ની ખેરાત,
તમરા બોલે,કૈં સરગમની શરુઆત.

ઉજ્જડ જીવનમાં મહેકી ઝંઝાવાત,
નંદનવનમાં હતી ફુલોની શરુઆત.

આનંદ ભયો બની મોસમ નિરાંત,
પાનખરે કરી વસંતની શરુઆત.

મંગલ મંદિર ખોલો,

મંગલ મંદિર ખોલો,
દયામય !
મંગલ મંદિર ખોલો,

જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય !
મંગલ મંદિર ખોલો !

નામ મધુર તમ રટ્યો નિરંતર
શિશુસહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ – અમીરસ ઢોળો,
દયામય !
મંગલ મંદિર ખોલો !

03 February 2009

હૈયે વસંત


વિયોગી વાદળ વિખરાયા કોકીલ કુંજે સખી,
વસંતે આમ્રમંજરી મ્હોરી ભ્રમર ગુંજે સખી,

પપીહરા પિહુ પિહુ બોલે,મનવા ડોલે સખી,
ચંપો-ચમેલી,કેવી તે રાતરાણી ડોલે સખી,

ઉડે અબીર ગુલાલ લાલ સોહે સંગે સખી,
મયુર પોપટ ને મેના ગાયે ઉમંગે સખી,

વ્યાકુળ થઈને વિરહીના હૈયા ગાયે સખી,
થઈ પ્રકૃતિ બેનકાબ આજ મન નાચે સખી,

હોકારો તો આપો !


રોજ મંદિરે આવું છું ને રોજ ઉઘાડું ઝાંપો,
નિજદ્વાર સાંકળ ખખડાવું, કહું હૃદયની વાતો !
હરિ ! હોકારો તો આપો !

તમે હરો ને તમે પૂરો છો ભક્તો કેરા ચીર,
અપહરણ તમે કરાવનારા, ખરા સુભદ્રા-વીર !
પાંચાલીને ચીર પૂરનારા, એક રૂમાલ તો નાખો !
હરિ ! હોકારો તો આપો !

ધ્રુવ પ્રહલાદ ને નરસૈયાના દુ:ખો પ્રભુ તમે હરિયા,
મીરાનો હતો એક કટોરો, અહીં તો ભરીયા દરિયા !
છતાંયે કહું ના નટવરનાગર ! આંગળી બોળીને ચાખો !
હરિ ! હોકારો તો આપો !

જમ્યા સુદામા કેરા તાંદુલ, જમ્યા વિદુરની ભાજી,
શબરીના ચાખેલાં બોરમાં થયા રામજી રાજી !
છપ્પન ભોગ ધરાવું પ્રેમે, જરીક તો પ્રભુ ચાખો !
હરિ ! હોકારો તો આપો !

આતંકી થઈ વિકૃત-યૌવન, વિશ્વ સકળ સળગાવે,
કુરાનની કરુણા વિસરીને મજહબને શરમાવે !
સાશક સઘળા થયા શિખંડી, એકાદ અર્જુન આપો !
હરિ ! હોકારો તો આપો !

02 February 2009

વગડે વસંત

હાશ થઈને કેવી પાનખર પરવારી,
જુઓ ને વેરાન વગડે લઈને સવારી

વાયે વાસંતી વાયરા ડાળીઓ ઝુલે
મ્હાલે ફૂલો ની ફોરમ
જુઓ ને વેરાન વગડે લઈને સવારી,

આજ પ્રકૃતિ થઈ ખુશહાલ કળીઓ ફુલે
મધુકર કરે ગુંજાર
જુઓ ને વેરાન વગડે લઈને સવારી,

થઈને મશાલ વગડે પલાશ ઘુમે
કરે કોયલ કલશોર
જુઓ ને વેરાન વગડે લઈને સવારી

થયા ઉમંગો પંડ્ય ભુલીને બલિહારી,
જુઓ ને વેરાન વગડે વસંત વિહારી