27 February 2009

પરંપરા

દત્ત રોય ચૌધરીના ખાનદાનમાં જાણે બૉમ્બ પડ્યો ! એવી ખબર પડી કે સતીશચંદ્રની એકની એક દીકરી ભૈરવી પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની છે. સતીશચંદ્રના પિતા કાલીચરણ ચૌધરી અને કાલીચરણના પિતા રાધારમણ ચૌધરી અને રાધારમણના પિતા દત્ત રોય ચૌધરી. એમનું આ ખાનદાન. તેમાં ક્યારેય આવું બન્યું નથી. કોઈએ આવો વિચાર સુદ્ધાં નથી કર્યો. લગ્ન તો વડીલોએ જ ગોઠવવાનાં હોય. આ તો પેઢી દર પેઢીની ચાલી આવતી પરંપરા ઉપર ભારે મોટો આઘાત ! આવી રીતે તો ખાનદાનનું ધનોતપનોત નીકળી જાય.

બહારની દુનિયા ગમે તેટલી બદલાઈ હોય, પણ દત્ત રોય ચૌધરીના ખાનદાનમાં કશું નથી બદલાયું. આજે પૂરા ત્રીસેક સભ્યોનું આ એક બહોળું સંયુક્ત કુટુંબ છે. લગભગ સો-સવા સો વરસ પહેલાં દત્ત રોય ચૌધરીએ બાંધેલા મકાનમાં જ બધાં સાથે રહે છે. તેનું ફર્નિચર પણ નથી બદલાયું અને ઘરમાંના રીતરિવાજો પણ નથી બદલાયા. જુવાન પેઢી હવે બહારની દુનિયામાં હસતી-ફરતી થઈ છે, પણ કોઈએ કદી ખાનદાનની અને વડીલોની અમાન્યા નથી તોડી. તેવા વાતાવરણમાં આવી ઘટનાથી બૉમ્બ જ પડે ને ! ભૈરવી પણ આ જ ખાનદાનમાં જન્મી ને ઊછરી. આ જ પરંપરાથી તે પણ રંગાઈ. તેમ છતાં પહેલેથી તે જરીક જુદી હતી. ઘરમાં બધાં જાણતાં કે ભૈરવી એક વાર કાંઈક નક્કી કરે એટલે તેમ કરીને જ રહે. એ હતી ઘણી વિનયી, સંસ્કારી, કોઈનાયે દિલને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખનારી. તેમ છતાં એટલી જ મક્કમ. ઘરમાં બધાં જ કહે કે છોકરી તે કોઈ દિવસ ડૉક્ટર થાય ? પણ ભૈરવી પોતાની વાતને વળગી રહી, વિજ્ઞાન શાખામાં જ દાખલ થઈ અને હવે એકાદ વરસમાં ડૉક્ટર થઈ જશે. તેણે પસંદ કરેલો આશિષ તેની સાથે જ ભણતો હતો.
ભૈરવીએ આ વાત પહેલાં પોતાની માને કહી. મા તો સાંભળીને હેબતાઈ જ ગઈ. તેના માન્યામાં જ ન આવ્યું. મા તેર વરસની ઉંમરે વહુ તરીકે આ ખાનદાનમાં પ્રવેશેલી. ત્યારથી આજ સુધી આવી અવનવી વાત તેણે ક્યારેય નહોતી સાંભળી. ‘બેટા, આ તું શું કહે છે ? તારી આ વાત કોઈ માન્ય નહીં રાખે. ઘર, ખાનદાન, મોભ્ભો કશુંયે જોયા વિના લગ્ન કરવાનાં ?’‘પણ મા, તું આશિષને ઓળખે છે. આપણે ત્યાં ઘણી વાર આવી ગયો છે. મારી સાથે જ ડૉક્ટર થશે. પછી તેમાં વાંધો શો ?’‘નહીં, બેટા ! તું આ વાત ભૂલી જા. આપણા ખાનદાનમાં આવું ન થાય. લગ્ન તો વડીલો જ ગોઠવે. તારા આવા પ્રેમલગ્ન સાથે કોઈ સંમત નહીં થાય.’ અને એવું જ બન્યું. બધાંએ જ્યારે જાણ્યું, ત્યારે જાણે બૉમ્બ પડ્યો ! ઘરનું વાતાવરણ તંગ થઈ ગયું. અને પછી એક રાતે આખું કુટુંબ ભેળું થયું. આવો પ્રશ્ન અગાઉ ક્યારેય નહોતો ઊભો થયો.
મોટાકાકાએ શરૂઆત કરી : ‘ભૈરવી, અમે જાણ્યું કે તું તારા પસંદ કરેલા છોકરા સાથે લગ્ન કરવાની છે. શું આ સાચું છે ?’‘હા, સાચું. પણ હવે એ છોકરો નથી, મોટો ડૉક્ટર થઈ રહ્યો છે. મારી સાથે ભણે છે, અને કાયમ પહેલો નંબર રાખે છે.’‘એ હશે. પણ તને ખબર નથી કે આપણા ખાનદાનમાં આવું અગાઉ કદી થયું નથી ? લોકો શું કહેશે ? દત્ત રોય ચૌધરીના કુટુંબની દીકરીએ પ્રેમ-લગ્ન કર્યું !’‘મને આમાં કશું ખોટું જણાતું નથી. બલ્કે, પ્રેમ સિવાય પરણવાનું હું વિચારીયે શકતી નથી.’‘શું તારું એમ કહેવું છે કે અમારા બધાંનાં લગ્ન વડીલો દ્વારા ગોઠવાયાં તો તેમાં પ્રેમ નથી હોતો ?’ – તેના પિતા વચ્ચે જ ગરજ્યા.મોટા કાકાએ ઉમેર્યું : ‘અને આ બધાં પ્રેમ-લગ્નોના શા હાલ થાય છે, તે તું નથી જોતી ? જરીક વાંકું પડ્યું કે પ્રેમ-બ્રેમ તો જાય ઊડી ! બે-પાંચ વરસમાં જ છૂટાછેડાની નોબત આવે.’‘એવું તો વડીલોએ ગોઠવેલાં લગ્નોમાંયે ક્યાં નથી થતું ? મારી માસીની દીકરી બે વરસમાં જ ઘરે પાછી આવી ને !’

હવે પિતાએ અલ્ટીમેટમ આપી દીધું : ‘બસ, બહુ થયું હવે ! મારે વધુ નથી સાંભળવું. જો, કાન ખોલીને સાંભળી લે ! આપણા ખાનદાનની પરંપરા વિરુદ્ધ કાંઈ પણ થતું અમે નહીં સાંખી લઈએ. જો તું તારી હઠ પકડી રાખીને આવી રીતે લગ્ન કરશે, તો પછી આ ઘર સાથે તારો કોઈ સંબંધ નહીં રહે. અમે તને મરી ગયેલી માનીશું.’ ભૈરવી સડક થઈ ગઈ. તેની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. ઘરમાં વિરોધ થશે, એમ તો તેણે માનેલું. પણ આટલી હદે થશે, તેની તેને કલ્પના નહીં. એકદમ સોપો પડી ગયો. ત્યાં વયોવૃદ્ધ દાદીમાનો ધીરગંભીર અવાજ સંભળાયો : ‘એવું જ થશે, તો મારો સંબંધ પણ તમારા કોઈ સાથે નહીં રહે. મને આ લગ્નમાં કોઈ વાંધો જણાતો નથી.’‘મા, તમે આ શું કહો છો ? સવાલ પેઢી પર પેઢી ચાલી આવતી ખાનદાનની પરંપરાનો છે.’દાદીમા કશાયે ખચકાટ વિના દઢ સ્વરે બોલ્યાં : ‘પરંપરા પોષવા માટે છે, મારવા માટે નહીં. તમે લોકો લાખ પ્રયત્ન કરશો, તોયે ભૈરવી માટે આનાથી સારો સાથી શોધી શકાશે નહીં. ત્યારે એક વસ્તુ સારી છે અને સાચી છે, તો તમારી પરંપરામાં આટલો સુધારો નહીં કરી શકો ? નવી પેઢીને નવી પરંપરા પાડવાનો હક નથી ? પરંપરાને વહેતું ઝરણું રહેવા દો. બંધિયાર ખાબોચિયું થશે તો ગંધાઈ ઊઠશે.’
દાદીમાએ ભૈરવી પાસે જઈ તેના માથે વહાલથી હાથ ફેરવતાં કહ્યું, ‘બેટા, હું તારી સાથે છું. તારી પસંદગી મને માન્ય છે. આ લગ્ન માટે મારી પૂરેપૂરી સંમતિ છે.’ ભૈરવીને ત્યાં બેઠેલા સહુમાં સૌથી વધારે વૃદ્ધ દાદીમા સૌથી વધારે જુવાન લાગ્યાં.

(શ્રી નંદિતા ચૌધરીની બંગાળી વાર્તાને આધારે.)

No comments:

Post a Comment