03 February 2009

હોકારો તો આપો !


રોજ મંદિરે આવું છું ને રોજ ઉઘાડું ઝાંપો,
નિજદ્વાર સાંકળ ખખડાવું, કહું હૃદયની વાતો !
હરિ ! હોકારો તો આપો !

તમે હરો ને તમે પૂરો છો ભક્તો કેરા ચીર,
અપહરણ તમે કરાવનારા, ખરા સુભદ્રા-વીર !
પાંચાલીને ચીર પૂરનારા, એક રૂમાલ તો નાખો !
હરિ ! હોકારો તો આપો !

ધ્રુવ પ્રહલાદ ને નરસૈયાના દુ:ખો પ્રભુ તમે હરિયા,
મીરાનો હતો એક કટોરો, અહીં તો ભરીયા દરિયા !
છતાંયે કહું ના નટવરનાગર ! આંગળી બોળીને ચાખો !
હરિ ! હોકારો તો આપો !

જમ્યા સુદામા કેરા તાંદુલ, જમ્યા વિદુરની ભાજી,
શબરીના ચાખેલાં બોરમાં થયા રામજી રાજી !
છપ્પન ભોગ ધરાવું પ્રેમે, જરીક તો પ્રભુ ચાખો !
હરિ ! હોકારો તો આપો !

આતંકી થઈ વિકૃત-યૌવન, વિશ્વ સકળ સળગાવે,
કુરાનની કરુણા વિસરીને મજહબને શરમાવે !
સાશક સઘળા થયા શિખંડી, એકાદ અર્જુન આપો !
હરિ ! હોકારો તો આપો !

No comments:

Post a Comment