21 June 2012

લાગણીની વાત છે

લાગણીની વાત છે કે વેઠની,
આ ગઝલની વાત છે એ ઠેઠની.

પાર પામી જાય એ તો શાનથી,
આ અનોખી જાત છે એ શેઠની,

આ હસે કેવા અક્ષર મેળાપથી,
તોય એ ભીનીશ થૈ છે હેઠની.

આ દિશાઓની કરી દીવાલએ,
આંખમાં પટકાય છે તે વેઠની.

ચીસ કે ચિત્કાર એ લાચાર છે,
હોઠ પર આવે પછી એ વેઠની.

-કાંતિ વાછાણી (૬-૦૬-૨૦૧૨)

28 May 2012

એ કુરીઅર છે અનોખા

વિચારો સાવ થઈ જાશે મલોખા,
જિગરના એ કુરીઅર છે અનોખા.

ઉઠાવી જાય છે પડદા મુલાયમ,
જુઓ દેખાય છે ર્દ્શ્યો જ નોખા.

કિનારા એમ ખાલી થાય તો શું ?
જવાના ક્યાં અમે લઈ દાંત બોખા.

ખરે છે એમ જાણે આંગળીથી,
નવા શબ્દો બનીને કંકુ ચોખા.

ખયાલી આજ કેવી હોય છે એ,
મળે છે પણ બની ખેરાત ખોખા.

-કાંતિ વાછાણી (૨૮-૦૫-૨૦૧૨)

25 May 2012

આંસુ.

આંખોમાં છલકાશે આંસુ,
એ કેવા મલકાશે આંસુ.

દિલના દરવાજે દસ્તક દઈ,
પાંપણમાં પલકાશે આંસુ.

શબ્દો મળવા આવે સામે,
ક્યાં વાંકે પકડાશે આંસુ.

પગલાં ભૂસીને તરતાં એ,
નોખાં થૈ બદલાશે આંસુ.

તારી ને મારી વચ્ચે આ,
ડૂમો લૈ વખણાશે આંસુ.

-કાંતિ વાછાણી (૨૪-૦૫-૨૦૧૨)

ગઝલ ના બની શકે.

રંગાય જાવ તોય ગઝલ ના બની શકે,
વાચાળ પ્યાર હોય ગઝલ ના બની શકે.

આભાસ એ લખે છે મનોમન સનમ તણો,
આવી ખબરને તોય ગઝલ ના બની શકે.

જીવાય છે સલામત શૈશવ સંકોરતા,
જૂની છબી છે કો'ય ગઝલ ના બની શકે.

આ કાચની તલાશ બની આંખમાં પછી,
ભોકાય એક સોય ગઝલ ના બની શકે.

ભભકા બની અંજાય જશે અંધકારમાં,
ગઈ વાંભ એક ભોંય ગઝલ ના બની શકે.

કાંતિ વાછાણી (૨૧-૦૫-12)

જીંદગી અમથી ગુમાવી'તી તને

બારના ભાવે ઉઠાવી'તી તને,
જાત આખર મેં ફગાવી'તી તને.

પાનખર આવી અને ગઈ આંખમાં,
ફૂલથી કેવી સજાવી'તી તને.

ઝૂલફોમાં રોજ ઝળકે એમ મેં,
જીંદગી અમથી ગુમાવી'તી તને.

કાગળો થોડા પડે લખવા હવે,
કેટલા વખતે છુપાવી'તી તને.

ભીતરે આવી જશે લાગણી,
ક્યાંક વાતોમાં મનાવી'તી તને.

-કાંતિ વાછાણી (22-05-12)

18 May 2012

જીવાય છે ઘાતમાં

લાભ દેખાય છે વાતમા,
એવુ ડોકાય છે જાતમા,

આંખ ખુલી અજાણે પછી,
ક્યાં રહેવાય છે નાતમાં.

વિષય વાસના આખરે,
તોય કે'વાય છે જાતમાં.

આવતી કાલની મોજ લે,
ભાગ્ય છલકાય છે રાતમાં.

ક્યાં જશો ? છળ કરીને હવે,
એમ જીવાય છે ઘાતમાં.

ચાલ એવો વલોપાત દે,
ના સહેવાય છે જ્ઞાતમાં.

કાંતિ વાછાણી ૧૮-૦૫-૨૦૧૨

લિસોટા ગમી જાય છે

સાંજનો આ નશો કૈ શમી જાય છે,
તોય કારણ વગર એ ગમી જાય છે.

રાતના અંધકારે દિવાનો થશે.
આખરે ચેતનાઓ ભમી જાય છે.

વેદનાઓ તમારે જ માથે પડી,
ભીતરે ડાઘ કેવા ખમી જાય છે.

રંગની આ મનોરમ દશાઓ બને,
એ પહેલા લિસોટા ગમી જાય છે.

આથમે કોઈ સોબત અજાણી બની,
લાગભાગે પછી તો નમી જાય છે.

-કાંતિ વાછાણી (૨૭-૦૪-૨૦૧૨)

26 April 2012

હવે શક્યતા નથી


રસ્તે ફરી મળાય, હવે શક્યતા નથી,
ચિન્હો જુદા રખાય, હવે શક્યતા નથી.

તણખો ભલે મશાલ બની આગ ઓકશે.
તે ખ્યાલને મપાય, હવે શક્યતા નથી,

જોયા પછી સુઝે અક્ષર ધારદાર કૈ,
ટહુકા લખો બધાય, હવે શક્યતા નથી.

આભાસ હોય છે મઘમઘતા કિસ્સા તણો,
આ ચાલ કૈ ફંટાય, હવે શક્યતા નથી.

ભીંજાય એમ શબ્દ અનોખા લખી ગયા,
લ્યો 'કાન' એ બનાય, હવે શક્યતા નથી.

કાંતિ વાછાણી
૧૪-૦૧-૨૦૧૨ ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા