30 July 2009

પડઘા બોલ્યાં

સથવારો સચવાયો ઉરમાં,
નયણે થી છલકાયો ઉરમાં.

છલકે સાગર જાણે મનમાં,
તરસે કોઈ સંવેદન ઉરમાં.

સહવાસે હરખાય મનમાં,
પળભર નો આભાસ ઉરમાં.

પરવાનો પળનો કૈ મનમાં,
ક્ષણ ની તરસ ભલે ઉરમાં.

પરવશ થાશે ફૂલ ચમનમાં,
મોસમ જાગી તારા ઉરમાં.

હળવાશ હતી મારા હૈયામાં,
અપવાદ હતો તારા ઉરમાં.

સમસ્યાઓ ગૂંથી ન મનમાં,
ત્યાં તો પડઘા બોલ્યાં ઉરમાં.

કાંતિ વાછાણી

25 July 2009

સુરાલય

સમી સાંજ ઢળતી પણ સુરાલયમાં આજે,
સવાલો સળગતા પણ સુરાલયમાં આજે.

અમોઘ શસ્ત્ર જાણે ગમ ભુલવાને મલ્યુ કોઇ,
લળથળે કદમ થંભ્યા પણ સુરાલયમાં આજે.

વલોપાત ઉશ્કેરતો સાકીને નિજ દ્વાર જોઇ,
પાત્રતા નથી પીવાને પણ સુરાલયમાં આજે.

વિષાદ જો સમજાય યાદનાં મહોરાને કોઇ,
તો ના પીવુ ઘટે જામ પણ સુરાલયમાં આજે.

સ્વમાન સરકતુ કારણ વગર આઘાતને કોઇ,
વફા વિંધાય અકારણ પણ સુરાલયમાં આજે.

કાંતિ વાછાણી

24 July 2009

દંભમાં

મિલન મલકાતુ હોય છે અજબનું તારુ,
કોઈ ક્ષણ તરસતુ હોય છે ગજબનું તારુ.

ભરપુર વેતરાય છે કૈ લાગણીઓ દંભમાં,
કોઈ ભીતરમાં ભીસાય છે ગજબનું તારુ.

વેદના છલકાય છે આભાસી ઓજસમાં,
તે ક્ષણમાં લાચાર મૌન છે ગજબનું તારુ.

પ્રતીક્ષાઓ તીવ્ર બનીને વેરાય ક્ષણમાં,
આસમાનમાં આવરણ છે ગજબનું તારુ.

શૂન્યતાઓ ઓલવાઇને વહે છે વાતોમાં,
ચિનગારીમાં તેજ જોઈએ છે ગજબનું તારુ.

કાંતિ વાછાણી

17 July 2009

સોળ કળાએ

સવારી સુર્યની આવે સજતી સોળ કળાએ,
કઈ નવયૌવનનું સ્મિત સજતી સોળ કળાએ.

ઉગમણા આભમાં કોઈ ઉષાનો ઉજાસ ઉઘાડે,
પર્ણોના પગ પખાડે ઝાકળથી સોળ કળાએ.

ઉમટયા આભમાં કોઈ પરીંદા કલરવ કરવાને,
લહેરાતો સમીર મંદમંદ કોઈ સોળ કળાએ.

નયનનો અંધકાર ઓલવાયો આજ અજવાળે,
રગેરગમાં સ્પર્શી અનુકંપાઓ સોળ કળાએ.

ઉજળી યાદમાં ગમ છલકતા એકાદ ક્ષણ જાગે,
સળવળે કોઈ ભીની વેદનાઓ સોળ કળાએ.

કાંતિ વાછાણી

13 July 2009

મન

કોઇના ખ્યાલમાં મન પતંગિયુ થઈને ઉડતુ,
કોઇના વિરહમાં મન વ્યાકુળ થઈને તરસતુ.

સુગંધ સંકેલીને ફુલોના ચહેરાઓ શરમાય છે,
જેમ ઉદાસ દિલમાં કોઇ માવઠુ થઈને વરસતુ.

તારા સુંવાળા સગપણથી મન કાંઈ હરખાય છે,
કોઈ ભીતરના ભેદ મનનો ખેદ લઈને ખટકતુ.

અંધકારના ઓંઠામાં વાતનુ તિમિર અંજાય છે,
કોરા હૈયામાં ચમનની પાંખળી જોઈને ખટકતુ.

કૈ ભગ્ન અવશેષો સોનેરી યાદ લઈને આવે છે,
એજ પછી મનની મુરાદ પુલકિત કરીને ભટકતુ.

કાંતિ વાછાણી

09 July 2009

વરસે કૈ વાદળી

ઝરમર ઝરમર વરસે કૈ વાદળી આજ રે..
કૈ થગનતા મોરલાં ને ઢેલ ઢળકતી આજ રે..

કૈ સજ્યા છે શણગાર લીલુડા ધરતીએ આજ રે..
લહેરાય ઝુકી ઝુકી વનરાઈ ને વેલીઓ આજ રે..

વીજળી ઝબુકી ને ગગન થયુ નવરંગી આજ રે..
સરિતા એ નીર છલકયા થયા ઉમંગી આજ રે..

કયાંક સુના સ્મરણોમાં ભીનાશ ઝંખે આજ રે..
આવો ઉજળા મનમાં મેઘધનુષ ડંખે આજ રે..

લેશુ હરખથી ઓવારણા હળવે હૈયે આજ રે..
પ્રિયતમ ! આવો અભરે ભરીશુ આજ રે...

કાંતિ વાછાણી

07 July 2009

સમજી લઉ તો ?

કયાંક તને શબ્દોમાં ઢાળી સમજી લઉ તો ?
અમસ્તો તને સ્નેહમાં ઢાળી સમજી લઉ તો ?

કયાંક સ્મરણને કંડારવા મથુ ભોમિયો થઈ
ક્ષણની પાંખ પાંપણમાં ઢાળી સમજી લઉ તો ?

કયાંક શબ્દોના સાથિયા પુરું અજાણ્યો થઈ
કૈ જીવનના રંગોમાં ઢાળી સમજી લઉ તો ?

કયાંક તીવ્ર પ્રતિક્ષા કરુ ભટકતો થઈને
એજ વાસ્તવિકતામાં ઢાળી સમજી લઉ તો ?

કયાંક ખુશીની ખેરાત કરુ ઉત્સાહ લઈને
એજ મહેક જીવનમાં ઢાળી સમજી લઉ તો ?

કાંતિ વાછાણી

01 July 2009

આવી અટકે

વિચારોમાં તું આવી અટકે,
આંખમાં થઈ આંજણી ખટકે.

અંધારે કંઈ વીજળી ઝબકે,
જેમ આંખમાં રોશની ટપકે.

મળતા દિલાસા એક ઝટકે,
આમ તું અંતર પટમાં અટકે.

અજાણી ઓળખ થઈ ભટકે,
વિશ્ર્વાસમાં પ્રેમ કાઈ બટકે.

હથેળીમાં રેખાઓ કોઈ હટકે,
મફતમાં જીંદગી મળી ખટકે.

ચાલ મળીએ એક થઈ કટકે,
ના તોડી શકે એને કોઈ ઝટકે.

કાંતિ વાછાણી