30 May 2011

વ્યથા

ગામને પાદર ગોકીરો થયો,
કોઈ બોલ્યુ લ્યો ફરી
પાછો એક તારો ખર્યો,
વિધિના વાંકે તું દંડાયો,
ટોડલે મુકેલ દિવો બુજાયો,
ઉજળી આંખે અંધાપો છલકાયો,
મારે આજ વિસામો ભૂસાયો...
ગામને પાદર ગોકીરો થયો....

કાંતિ વાછાણી

22 May 2011

એ ગરમાળો

આંખોમાં આવી ઠંડક આપે એ ગરમાળો,
ઉપવનને આંજી ધખતો રાખે એ ગરમાળો.

તડકો જાણે થીજી ગ્યો એની જાતે દોસ્તો,
દિલને પ્રજાળી પડઘા પાડે એ ગરમાળો.

ભીનાશે યાદોમાં ટહુકાઓ છલકાશે કૈ,
લ્યો અણધાર્યા સ્મરણ લાવે એ ગરમાળો

સૂના રસ્તે વેરાયો કોનો સ્પર્શ ઉજળો,
આજે મોસમ ને લલકારે એ ગરમાળો.

જીવે છે આ ક્ષણ માણી લેવા ને ખુશ્બૂ
તોયે મૃગજળના મોજા લાવે એ ગરમાળો.

-કાંતિ વાછાણી
તા.૨૨-૦૫-૨૦૧૧

19 May 2011

ભાવ છું

રોજ ભુલી જાવ છું,
જાણવા ને દાવ છું.

આખરે કોઇ માટે,
શ્ર્વાસનો સુજાવ છું.

આ ક્ષણો ખોટી જશે,
એ રુઝેલો ઘાવ છું.

કૈ અજાણે હું ભલે,
વાત માં બંધાવ છું.

થાય છે કૈ પ્રશ્ર્ન આ,
મૌનથી રુઝાવ છું.

છે ગઝલ કે કાવ્ય એ,
'કાન' તારો ભાવ છું.

-કાંતિ વાછાણી

હાઈકુ

વિખાય ગયું
સપનુ ઝાકળનું
સુર્યને જોતા.


ફુલો ને ચૂમે
ઝાકળ અજાણતા
ડાઘા મુકીને.

-કાંતિ વાછાણી

હરિ જોવા ને રે

હરિ જોવા ને રે...
મારા મન મંદિરમાં આનંદ ઉભરાય છે..

ભીતર ને ભીંજવતુ ક્યાંક ભજન ગવાય છે,
સવાર ને સાંજે આશાઓની હેલી મંડાય છે.

હરિ જોવાને રે....
મારા અંતરમાં ઝીણેરો સાદ સંભળાય છે...

છુટી મારી ઈચ્છાઓની વણજાર બંધાય છે,
કેમ કરી મારે સથવારો હરિનો સંધાય છે.

હરિ જોવાને રે....
મારી આંખોમાં અગમનાં એંધાણ વરતાય છે...

-કાંતિ વાછાણી

03 May 2011

લાગણી

ઘેરી વળી આ વિસમતા શેરી માં,
કોઇના આગમનની રાહ જોતા
આ ડુસકાઓ અજાણે મારું શૈશવ લુંટતા,
ક્યા ખબર હતી સિમાડા ભુલ્યા પછી.
કોણ જાણે આ કાંઘ લેવા માટે
એને પણ રાત રોકાવુ પડે,
આથમતા અજવાસમાં લાગણી
આમ જ વેરાઈ ગઈ ખબર પણ ના રહી.....

-કાંતિ વાછાણી

અછાંદાસ

બા ગઈ વહેલી લોકલથી
એ જાણીને બાપા પણ ગયા,
અચાનક આંખોથી સપનુ સરી ગયું,
ડેલી ઍ ટહુકા થંભી ગયા,
નથી ટપાલીની આવ-જા કે
બારણે આવી ને વિસામો વિખરાઈ ગયો..
બા ગઈ વહેલી લોકલથી .......

-કાંતિ વાછાણી