15 October 2010

કાયાના છળ

છાના એ સપના સંકેલી હાલ્યને,
મેળામાં મન મુકી ને તું મ્હાલ્યને.

માયાનો નેણો લાગે નખરાળો મને,
આ સઘળુ મેલ્ય ઠેલી તું હાલ્યને.

નોખું મનડુ ને નોખા છે ખ્યાલ કૈ,
તારા અંતર ને વળગી તું હાલ્યને.

જોવી છે નિતનિત સાંજીઓ આંગણે,
ક્યાં રંગોની માયા છે તું મ્હાલ્યને.

મોસમ જાગી છે ખાલીપો જોઈને,
આ કાયાના છળ મુકી તું હાલ્યને.

-કાંતિ વાછાણી

22 September 2010

માંગી જોને.

ત્રેવડ તારી ટાંગી જોને,
વાચા પાછી માંગી જોને.

આવી ને તું બેક્ષણ તરસે,
એવું તો દિલ માંગી જોને.

સમજણ સીધી આપે મઝરે,
સંભારણુ કૈ માંગી જોને.

ક્ષણમાં એ સંદેશો લાવે,
પ્રાર્થી થઈ તુ માંગી જોને.

જીવનભર ખોટા સાચા નો,
સથવારો લૈ ભાગી જોને.

-કાંતિ વાછાણી

પડછાયો હટાવી જાય છે

આ તમારી યાદના પદચિન્હ આવી જાય છે,
કે પછી મતલબ બનીને કાંઈ માંગી જાય છે.

આ હથેલીમાં સળવળી સ્નેહની માયા હવે,
તો પછી કરતબ કરીને કેમ ભાગી જાય છે.

આ કરામત પાનખરની ટહુકતી પીળાશમાં,
આખરે તો કોઇ મોસમને વટાવી જાય છે

આ મુલાયમ લાગણીને ક્યાં ભરોસે તોલવી,
તોય જોને ટેવ વશ આશા જગાવી જાય છે.

આ જ છે મોભો અમોને ઓરતા લૈ કાળનો,
આખરે તો કોઈ પડછાયો હટાવી જાય છે.

-કાંતિ વાછાણી

31 July 2010

ગીત

આજ ઉજળા આભમાં ચમક્યો તેજ તણો પ્રકાશ,
વાલે રચયો શરદ તણો રાસ,
સખી, સૈયર ને સાથ, થાશે ઉમંગને ઉલ્લાસ......વાલે.

વન વગડા ને સીમ લહેરાય,
પાક તણા કણશલા હરખાય,
વ્રજ વનિતાનાં પગરવનો, હશે આછેરો ઉજાસ.... વાલે.

નાર નવેલી શરમથી ભરેલી,
હૈયે થઈ છે જાણે આનંદ ઘેલી.
જાણે તન-મનમાં મહોરે છે, કોઈ ઝાઝરનો ઝકાસ....વાલે

-કાંતિ વાછાણી

અનમોલ આજે

લ્યો આજ વાદળ બની ઘનઘોર ગાજે
એથી થયો નિજ ઉરે કલશોર આજે.

લ્યો આજ મોસમ હસી કલશોર ગાજે
જેથી વધ્યો નિજ ઉરે તલસાટ આજે.

લ્યો આજ ભીતર થયો તલસાટ ભારે
ને તોય કાયમ ઉમંગ ભરાય મારે.

લ્યો આજ કાગળ બની ઉમંગ અધુરો
ને તોય માણસ બને ટહુકા મધુરો.

લ્યો આમ એકલ પણે ટહુકા વધારે
એવો છલોછલ કરે પમરાટ ભારે.

લ્યો આમ નાહક થશે પમરાટ આજે
ને શ્યામ સુંદર થયા અનમોલ આજે.

-કાંતિ વાછાણી


વસંતતિલકા છંદ
અક્ષર : ૧૪
બંધારણ : ત, ભ , જ, જ, ગાગા.
સ્વરૂપ : ગાગાલ ગાલલ લગાલ લગાલ ગાગા
યતિ : ૧૮મા અક્ષરે
(આ વૃત અયતિત ગણાય છે.)

30 July 2010

કાગળ છે.

એ આંખોમાં મહેકતી ઝાકળ છે
આ શાહી, કલમ ને કાગળ છે.

અરમાન કોઈ ફુટી કોડી નથી,
એ વિચારોની દોડ આગળ છે.

કોઈ ખુણો એવો શોધુ આજ કે
હું મારાંપણાની વાત પોકળ છે.

જીતવામાં હાર માને કે નહિ,
પછી શૂન્યતા માં આગળ છે.

એ પરપોટા ફુટી જાય ક્ષણમાં,
તોય વહાલુ લાગે એ ઝાકળ છે.

આ અક્ષરો વહેરાતા રેતીમાંને
આ શાહી, કલમ ને કાગળ છે.

-કાંતિ વાછાણી
૩૦-૭-૧૦

25 July 2010

મધુરા અજાણે

અધર મધુર પીતા જોઈ સુવાસ જાણે,
ભ્રમર વિવિધ લેતા ચુંબનો એ અજાણે.

પળપળ નિજમાં પામે મધુરા અજાણે,
ક્ષણક્ષણ રજ થી થાશે અધુરા અજાણે.

પ્રબળ મન કહેશે આ પ્રતિક્ષા અજાણે,
કલરવ થઈ ગુંજે છે મસ્તીમાં અજાણે.

ઝરમર વરસે ફોરે ભરેલુ અજાણે.
ચમન ચમન ગાશે કૈ મધુરા અજાણે.

લલલ લલલ ગાગા ગાલ ગાગાલ ગાગા malini chhand

-કાંતિ વાછાણી