Showing posts with label જીગ્નેશ અધ્યારૂ. Show all posts
Showing posts with label જીગ્નેશ અધ્યારૂ. Show all posts

09 January 2009

ચડતી-પડતી

દુ:ખોની સદા ચડતી અને મારી પડતી હોય છે,
વ્યથાઓ મારી પાસે આવવા બાખડતી હોય છે.

હું ખુશી, મનેય ત્યારેય તેં કદી ખુશ જોઈ ?
દુ:ખની પહેરેદારી મારેય કરવી પડતી હોય છે.

કલ્પના તો ક્યાંથી હોય તનેય આવા દર્દની,
ટોચે રહેલાની આ પહેલી પહેલી પડતી હોય છે.

અસમંજસ ને ઉદાસીના ચક્રવર્તી આ રાજમાં
સુખોની ક્યાં ક્યારેય આશા ફળતી હોય છે.

જો માનતો હોય તો સાંભળ મારી વાત, વ્હાલા
કે ખુશીઓ મળતી નથી, ખેંચવી પડતી હોય છે.

03 January 2009

જીવું છું

હજાર સપનાઓનો ભાર લઈને જીવું છું,
એક સફળતાનો પરિવાર લઈને જીવું છું.


હારી ગયા છે દુ:ખો, હજીય કોનામાં હામ છે,
હું તો મૃત્યુનો ય વેપાર લઈને જીવું છું.


અહોભાવના આખરે પડીકાં વળતા જોયાં,
તોય હું સન્માનનો અધિકાર લઈને જીવું છું.


મોટાઈનો દંભ એ સચરાચર વ્યાપક છે,
હું તો માણસાઈનો શણગાર લઈને જીવું છું.


અભિમાનના વહાણો તરે છે ઉંડે તોય,
હું હજીય મારો વિચાર લઈ જીવું છું.


ક્યાંથી મળશે એ જેને મારી જરૂર છે,
બાકી હું તો પારકો સંસાર લઈ જીવું છું.