07 February 2011

વાત કરશું.

અમે આભ રંગાયએ વાત કરશું,
ખુદા નાખુદા થાય એ જાત કરશું.

અમારી ઈબાદત હશે તે ક્ષણોમાં,
પછી ના મળે તો મુલાકાત કરશુ.

છડે ચોક ટહુકા મળે વાસંતી ના,
અકાળે છવાશે પછી ભાત કરશુ.

અમે ક્યાં તમારી ઉદાસી તપાસી,
અકારણ ગઝલ સ્ફૂરતા વાત કરશું.

-કાંતિ વાછાણી

યાદો મારે હસ્તક દ્યો

દિલના દ્વારો મારે હસ્તક દ્યો,
એવી વસંત મારે હસ્તક દ્યો.

પાને પાને ચિતરાવ્યા ફૂલો,
એની સુગંધ મારે હસ્તક દ્યો.

વન ઉપવનમાં કુંપળ બોલી કે,
આખો વગડો મારે હસ્તક દ્યો.

કુંજે કુંજે કોયલ ટહુકી લ્યો,
આ મોસમને મારે હસ્તક દ્યો.

ભીની સ્પર્શે વાચા જાગી ને,
આ કૈ યાદો મારે હસ્તક દ્યો.

-કાંતિ વાછાણી